Ahmedabad Seventh Day School: શહેરના પૂર્વમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યા થયાની ઘટના બાદ સ્કૂલ દોઢ મહિનો બંધ રહ્યા પછી હાલ રાબેતા મુજબ શરૂ તો થઈ ગઈ છે પરંતુ આ સ્કૂલ સામે આરટીઈ એક્ટ મુજબ કમિટીની તપાસના રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ બહાર આવી છે. જેથી ડીઈઓએ તપાસ રિપોર્ટ સરકારને આપી 10 હજાર બાળકોના હિત માટે વહિવટ લેવા કે અન્ય ટ્રસ્ટને સોંપવા ભલામણ કરી છે.
સંચાલનમાં અનિયમિતતા અને નિયમભંગ
ડીઈઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને ગુજરાત બોર્ડને રિપોર્ટ સોંપીને તેમાં ખાસ નોંધ્યુ છે કે સ્કૂલે તપાસ માટે જરૂરી અને ખુટાતા આધારો રજૂ કર્યા નથી. સ્કૂલની માન્યતા સંદર્ભે પ્રાપ્ત આધારોને ધ્યાને લેતા સ્કૂલ સંચાલનમાં અનિયમિતતા અને નિયમોનું ઉલ્લંઘન પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાને આવ્યા છે. સ્કૂલે રજૂ કરેલા દસ્તાવેજોમાં પણ વિસંગતતા છે. સ્કૂલ હાલ જે સ્થળ પર છે તે સ્થળ એએમસી દ્વારા સંસ્થાને 99 વર્ષના ભાડાપટ્ટે 2003માં અપાયેલ છે.
તેમજ તે સ્થળના વર્ગોની મંજૂરીના આધારો શાળાએ રજૂ કર્યા નથી. જેથી શાળા અમાન્ય છે તેવુ પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય. વર્ષ 1981માં ધો.1-2ના વર્ગોનું સરનામુ મણિનગર પૂર્વમાં અને 1983માં ધો. 1-2ના બીજા વર્ગોની મંજૂરી મેળવી. ઉપરાંત આ જ વર્ષે ધો. 3-4ની મંજૂરી મેળવી. ત્યારબાદ તબક્કાવાર મંજૂરીઓ લીધી પરંતુ બોર્ડની પૂર્વ મંજૂરીના આધારો- વર્ગ વધારાના આધારો રજૂ કર્યા નથી. આમ વર્ષો પહેલા જુદા સ્થળે પ્રાયમરીના વર્ગોની મંજૂરી લેવાઈ અને હાલ ખોખરામાં અલગ સ્થળે જ ચાલે છે.
તપાસ રિપોર્ટમાં બહાર આવેલ તથ્યો
– સ્કૂલે વર્ગ વધારાની મંજૂરી માટે આધાર પુરાવા રજૂ કર્યા નથી.
– સ્કૂલનું સંચાલન કયા ટ્રસ્ટ-સોસાયટીથી કાર્યરત છે તે જ સ્પષ્ટ નથી.
– કોર્પોરેશને જમીન ધ ઈન્ડિયા ફાઈનાન્સિયલ એસો.ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટને ભાડાપટ્ટે આપી છે, પરંતુ સ્કૂલે રજૂ કરેલા બોર્ડના મંજૂરી પત્રોમાં હાયર સેકન્ડરી વિભાગના માઈનોરિટી સર્ટિફઈકેટમાં સ્કુલ સંચાલક તરીકે કાઉન્સિલ ઓફ એડેવન્ટિસ્ટ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ દર્શાવેલ છે.
– સ્કૂલે ફી કમિટી સમક્ષ કરેલ દરખાસ્તમાં પણ અશલોક એજ્યુકેશન સોસાયટી અને ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ એજ્યુ.ઈન્સ્ટિ.નો ઉલ્લેખ કર્યો છે.
– સ્કૂલે રજૂ કરેલા આધારોમાં અલગ અલગ ટ્રસ્ટ-સોસાયટી.
– સ્કૂલ દ્વારા પ્રાથમિક વિભાગ માટે લઘુમતી દરજ્જો મેળવવાનું સર્ટિફિકેટ રજૂ કર્યુ નથી.
– સ્કૂલ કેમ્પસમાં પુસ્તકોનું વેચાણ ફી રેગ્યુલેશન એક્ટની વિરૂદ્ધ થઈ રહ્યુ છે.
– સ્કૂલમાં બે પાળી ચલાવવા બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી છે અને અલગ અલગ સ્ટાફ-રેકોર્ડ તેમજ બોર્ડની મંજૂરી સહિતની શરતોનું પાલન કરવું જરૂરી છે પરંતુ તેના ડોક્યુમેન્ટ નથી.
આ પણ વાંચો: ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું: રિસર્ચમાં ઘટસ્ફોટ
– લીઝધારક અને સંચાલક સંસ્થા અલગ-અલગ હોવાથી ભાડાકરારની શરતોનો ભંગ થયો.
– સ્કૂલે રજૂ કરેલ નકશા મુજબ કેમ્પસમાં માત્ર બે જ બિલ્ડીંગનો ઉલ્લેખ છે પરંતુ સ્કૂલમાં ત્રણ બિલ્ડીંગો છે
– સ્કૂલ માત્ર બી બ્લોકનું જ બીયુ પરમિશન રજૂ કર્યુ છે. હાલના બાંધકામનું બીયુ નથી આપ્યુ.
– સ્કૂલે ગુજરાત બોર્ડ હેઠળ ધો. 11-12 સાયન્સની મંજૂરી મેળવવાની દરખાસ્ત એફિડેવિટમાં બાયંધરી આપી હતી કે મકાનમાં અન્ય કોઈ ટ્રસ્ટની 9થી 12ની સ્કૂલ કે અન્ય શિક્ષણ સંસ્થા ચાલતી નથી પરંતુ સ્કૂલે આઈસીએસઈ બોર્ડની ધો. 1થી 12ની સ્કૂલ ચાલુ હોવા છતાં તે હકીકત છુપાવી.
– સ્કૂલ કેમ્પસમાં બિઝનેસ સ્ટડીઝ અને બીએસસી સહિતની બે કોલેજો છે જે માટે આઈસીએસઈ બોર્ડનું 2025-26નું એનઓસી રજૂ કર્યું છે પરંતુ ગુજરાત બોર્ડનું એનઓસી રજૂ કર્યુ નથી.











