Ahmedabad Traffic News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને ફરી એકવાર વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ અંગે એક પ્રેસનોટ બહાર પાડીને જાણકારી આપી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરીની સલામતીને ધ્યાનમાં રાખીને, 23 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે.
ગિરધર નગર ઓવરબ્રિજ પૂર્વ અમદાવાદના સૌથી વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીનો એક છે. આ પહેલાં પણ 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી આ બ્રિજ બંધ રહ્યો હતો, અને હવે ફરીથી બ્રિજ બંધ થવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા
વાહનચાલકોની સુવિધા માટે, ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની જાણકારી આપી છે:
- કાલુપુર અને પ્રેમ દરવાજા તરફથી આવતા વાહનો: આ વાહનો ઈદગાહ સર્કલથી અસારવા બ્રિજનો ઉપયોગ કરીને બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ અથવા અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો પર જઈ શકશે.
- શાહીબાગ અને ગિરધર નગર તરફથી આવતા વાહનો: આ વાહનો ગિરધર નગર સર્કલથી કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ અથવા અસારવા તરફ જઈ શકશે. આ ઉપરાંત, કાલુપુર-પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ તેઓ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકશે.
વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને ટ્રાફિક જામની સમસ્યાથી બચી શકે છે અને કામગીરી પૂર્ણ થવા સુધી સહયોગ આપે.












