શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને એન્ક્રોચમેન્ટ સંબંધિત મુદ્દાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગો સાથે મળીને સંકલિત કામગીરી હાથ ધરશે.
આ માટે ખાસ Joint Enforcement Team (JET) ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના અતિક્રમણ દૂર કરવા માટે કામગીરી કરશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શિસ્તબદ્ધ વર્તન પ્રોત્સાહિત કરવો, જાહેર માર્ગોને સ્વચ્છ અને અવરોધમુક્ત રાખવા પ્રેરિત કરવો અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આ અભિયાન દરમિયાન રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર થતી અડચણો, અયોગ્ય રીતે મૂકાયેલા પોસ્ટર-બેનર અને અન્ય પ્રકારના અવરોધોને દૂર કરવામાં આવશે. સાથે સાથે, નાગરિકોને માર્ગો સ્વચ્છ રાખવા અને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કામગીરી દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજ દરમિયાન યોજાશે.
શહેરના વિવિધ ઝોનમાં જરૂરી વાહનો અને સાધનો જેવી કે એન્ક્રોચમેન્ટ દૂર કરવા માટેની ગાડીઓ, ટોઇંગ વાહનો, દબાણ ગાડીઓ અને SBM સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કામગીરી દરમિયાન બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે.
અમદાવાદના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પસંદ કરાયેલા મુખ્ય માર્ગો પર આ સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. નાગરિકોને આ માર્ગો પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે પૂરતી માહિતી આપવામાં આવશે જેથી તેઓ નિયમોનું પાલન સરળતાથી કરી શકે.
આ માર્ગોમાં સી.જી. રોડ, સ્ટેડીયમ રોડ (સી.જી. રોડ થી નારણપુરા ચાર રસ્તા), નારણપુરા ચાર રસ્તાથી અંકુર થી શાસ્ત્રીનગર, વાડજ સર્કલ થી દધીચિ બ્રીજ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એસ.જી. હાઇવે (ઇસ્કોન થી કે.ડી. હોસ્પિટલ), જજીસ બંગલો રોડ, બાગબાન પાર્ટી પ્લોટ, સુરધારા ચાર રસ્તાથી ઝાયડસ હોસ્પિટલ સુધી, સુભાસચોક થી ઝાયડસ હોસ્પિટલ, સાયન્સ સીટી રોડ, સિંધુભવન રોડ, ડ્રાઈવ ઇન રોડ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એસ.જી. હાઇવે, આનંદનગર, ૧૩૨ ફૂટ રીંગ રોડ, દધીચિ બ્રીજ થી દિલ્લી દરવાજા તેમજ અન્ય મહત્વપૂર્ણ માર્ગોનો સમાવેશ થાય છે.
આ માર્ગો પર પાર્કિંગ વ્યવસ્થા અંગે નાગરિકોને યોગ્ય માહિતી પણ આપવામાં આવશે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.
આ સમગ્ર અભિયાન દ્વારા શહેરમાં ટ્રાફિક શિસ્ત અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો અને નાગરિક સહભાગિતાથી વધુ વ્યવસ્થિત અને સુવ્યવસ્થિત અમદાવાદનું નિર્માણ કરવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે.









