![]()
Ahmedabad Air India Plane Crash : અમદાવાદમાં 12 જૂન-2025ના રોજ બી. જે. મેડિકલ કોલેજ ઉપર એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરો સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે આ ઘટનાના પાંચ મહિના બાદ એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કેમ્પબેલ વિલ્સને આજે (29 ઓક્ટોબર) મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વિલ્સને વિમાન દુર્ઘટનાને વિનાશક અને દુઃખદ ગણાવી કહ્યું કે, એરલાઈન પીડિત પરિવારો અને દુર્ઘટના સાથે જોડાયેલા તમામ લોકોને શક્ય તમામ મદદ કરી રહી છે.
અમે અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ : વિલ્સન
દિલ્હીમાં આયોજિત ‘એવિએશન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા 2025’ સંમેલનમાં વિલ્સને કહ્યું કે, ‘ક્રેશ ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે, વિમાન, એન્જિન કે સંચાલન પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. અમે અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જો તે રિપોર્ટમાંથી કંઈક શીખવાનું મળશે તો અમે ચોક્કસપણે સુધારો કરીશું. એર ઈન્ડિયા કંપની પીડિત પરિવારોને તમામ પ્રકારની મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ વચગાળાનું વળતર આપવાની પ્રક્રિયા પુરી કરી દીધી છે. હવે અંતિમ વળતર પર કામ ચાલી રહ્યું છે.’
આ પણ વાંચો : VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે ચક્કાજામ
12 જૂને એર ઈન્ડિયાનું પ્લાન ક્રેશ થયું હતું
ઉલ્લેખનીય છે કે, 12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ટેકઓફ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ નં.AI171 ટેકઓફના થોડા સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટ રન-વેથી 1.7 કિલોમીટર દૂર બી.જે.મેડિકલ કૉલેજ પર ક્રેશ થઈ હતી, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત કુલ 260 લોકોના મોત થયા હતા.
તપાસ રિપોર્ટમાં શું હતું?
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ટેકઓફના તરત જ એક સેકન્ડમાં બંને એન્જિનોનો ફ્યૂલ સપ્લાટ બંધ થઈ ગયો હતો, જેનાથી કોકપિટમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. કોકપિટ વૉઇસ રેકોર્ડિંગમાં એક પાઈલટ બીજા પાઈલટને કહી રહ્યો છે કે, તમે ઇંધણ કેમ કાપ્યું? જેના પર બીજા પાયલોટે તેને કહી રહ્યો છે કે, મેં એવું નથી કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સાતમી ઓક્ટોબરે સ્પષ્ટ કહ્યું હતું કે, દુર્ઘટનાની તપાસમાં કોઈ ગડબડ કે દબાણ નથી અને તપાસ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે ચાલી રહી છે.
આ પણ વાંચો : નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી










