![]()
Amreli Bridge Collpsed : અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાવરકુંડલાના બાઢડા ગામમાં માત્ર 10 દિવસ પહેલા જ બનેલો પુલ ધરાશાયી થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
5 લાખના ખર્ચે બનેલો પુલ જમીનદોસ્ત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના પરા વિસ્તારમાં આવેલી લામધાર નદી પર ગ્રામ પંચાયત હસ્તકનો એક નવો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ સીમતળ અને ગામતળ વચ્ચેના પરા વિસ્તારને જોડવા માટે અત્યંત મહત્વનો હતો. જોકે, કામગીરી પૂર્ણ થયાના માંડ 10 દિવસમાં જ આ પુલ આખે આખો બેસી ગયો છે.
સ્થાનિકોના ગંભીર આક્ષેપ: “નબળું મટીરિયલ જવાબદાર”
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, જ્યારે પુલની આસપાસ માટીકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ પુલ એકાએક ધરાશાયી થઈ ગયો હતો. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે પુલના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ સુવિધા લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ નકામી બની જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તપાસની માંગ
આ ઘટના બાદ સ્થાનિકોએ એક અવાજે માંગ કરી છે કે આ પુલના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. માત્ર 10 દિવસમાં પુલનું બેસી જવું એ એન્જિનિયરિંગની ખામી છે કે ભ્રષ્ટાચાર, તે હવે તપાસનો વિષય બન્યો છે.










