India Russia Contract For Sukhoi SJ-100: ભારતે રશિયા સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને રશિયાની પબ્લિક જોઇન્ટ સ્ટોક કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને(PJSC-UAC) સોમવારે (27 ઑક્ટોબર) મોસ્કોમાં એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, સુખોઈ સુપરજેટ SJ-100 સિવિલ કોમ્યુટર એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે.
આ ટ્વીન-એન્જિન, નેરો-બોડી એરક્રાફ્ટમાં આશરે 100 મુસાફરોની ક્ષમતા અને આશરે 3,000 કિલોમીટરની રેન્જ છે. તે ખાસ કરીને સ્થાનિક ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એવું નોંધાયું છે કે વિશ્વભરમાં આવા 200થી વધુ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યા છે અને 16 થી વધુ એરલાઇન ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
મેક ઇન ઇન્ડિયાને વેગ
નિષ્ણાતોના મતે, ભારતમાં SJ-100નું ઉત્પાદન દેશની પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જે દેશના નાના શહેરો અને નગરોને હવાઈ નેટવર્ક સાથે જોડવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે. આ કરાર બાદ HAL ને ભારતમાં SJ-100 વિમાનના ઉત્પાદન માટે વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થયા છે. આ પ્રોજેક્ટ માત્ર ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને જ નહીં પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પણ મજબૂત બનાવશે.
રોજગારીની તકોમાં વધારો
આ પ્રોજેક્ટ ભારતના ઉડ્ડયન ઉત્પાદન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે. આ HAL માટે માત્ર એક ટૅક્નોલૉજીકલ સફળતા જ નહીં પરંતુ ભારતની આત્મનિર્ભરતા(આત્મનિર્ભર ભારત)ને પણ એક નવી ગતિ આપશે. વિમાન ઉત્પાદન સંબંધિત સ્પેરપાર્ટ્સ, જાળવણી અને સપ્લાય ચેઇનમાં પણ હજારો રોજગારીની તકો ઊભી થશે. રશિયા સાથે પહેલાથી જ મજબૂત સંરક્ષણ ભાગીદારીના આધારે, નાગરિક ઉડ્ડયનમાં આ સહયોગ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. SJ-100 વિમાન ભારતમાં પ્રાદેશિક મુસાફરી ક્ષેત્રને બદલી શકે છે, ખાસ કરીને મર્યાદિત હવાઈ સેવાઓ ધરાવતા વિસ્તારોમાં ઉન્નતિ લાવશે.











