![]()
Ahmedabad Civic Issues: એક સમયે જે અમદાવાદની નગરરચના અને સુવિધાઓના ઉદાહરણો અપાતા હતા, આજે એ જ શહેરના મ્યુનિસિપલ શાસકો અને વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ટેક્સની વસૂલાત સામે શહેરીજનોને માળખાકીય સુવિધાઓના નામે ‘મીંડું’ મળી રહ્યું હોવાની લાગણી પ્રબળ બની છે.
ભૂતકાળનું મજબૂત આયોજન અને વર્તમાનની નબળી સ્થિતિ
અમદાવાદના ઈતિહાસ પર નજર કરીએ તો, જૂના કોટ વિસ્તારની ગટર લાઈનો અને ડ્રેનેજ સિસ્ટમ એવી આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવી હતી કે આજે વર્ષો પછી પણ ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહિવત્ છે. તે સમયે વેરાની રકમ મર્યાદિત હોવા છતાં કામોમાં ગુણવત્તા અને ટકાઉપણું જોવા મળતું હતું.
અગાઉ મર્યાદિત બજેટમાં પાણી, ગટર અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધાઓનો શ્રેષ્ઠ વહીવટ અને વર્તમાનમાં કરોડોના ટેક્સ છતાં રસ્તા, બ્રિજ અને ડ્રેનેજના કામોમાં ભ્રષ્ટાચારની થઈ રહ્યો છે.
જનપ્રતિનિધિઓ માટે ‘કમાણીનું માધ્યમ’ બન્યું કોર્પોરેશન?
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જે મસમોટો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેનો મોટો હિસ્સો શાસકોના વૈભવી ઠાઠ અને વિદેશ પ્રવાસો પાછળ ખર્ચાઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘણાં કોર્પોરેટરોને જનતાના પ્રશ્નો ઉકેલવાને બદલે બિલ્ડરોના કામોમાં વધુ રસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રસ્તા-ગટરના કામોની ગુણવત્તા તપાસવાને બદલે કોન્ટ્રાક્ટરોના ટેન્ડર અને બિલો પાસ કરાવી પોતાની ‘કમાણી’ સેટ કરવામાં જ કેટલાંક પ્રતિનિધિઓ વ્યસ્ત છે.
ભ્રષ્ટાચારના ગાબડાં અને પ્રજાની વેદના
જ્યારે પણ શહેરના નવા બ્રિજમાં ગાબડાં પડે કે રસ્તાઓ ધોવાઈ જાય, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંગળી ઉઠાવવાને બદલે મૌન સેવી લે છે. અધિકારીઓ અને નેતાઓ વચ્ચેના ‘ગઠબંધન’ને કારણે વિકાસના કામોમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ઈતિહાસમાંથી શીખવાની જરૂર
અમદાવાદમાં હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે વર્તમાન કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગૌરવશાળી ઈતિહાસ અને નૈતિક વહીવટને ફરીથી સમજવો પડે તેમ છે. જો જનતાના પરસેવાના ટેક્સનો ઉપયોગ માત્ર નેતાઓની સુખાકારી માટે જ થતો રહેશે, તો આગામી સમયમાં શાસકો પ્રત્યેનો પ્રજાનો રોષ વિસ્ફોટક બની શકે છે.










