Anand News: ગુજરાતનું આણંદ હવે માત્ર શ્વેતક્રાંતિ માટે જ નહીં, પણ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે પણ ગુંજતું થયું છે. આણંદના એક સામાન્ય પરિવારની દીકરી એકતા શાહે પોતાની આર્થિક સંકડામણને માત આપીને વૈશ્વિક સ્તરે ખગોળ વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી છે. માત્ર 32 વર્ષની ઉંમરે એકતાએ બ્રહ્માંડના રહસ્યો ઉકેલી 6 નવી આકાશગંગા શોધી કાઢી છે.
સર્વન્ટ ક્વાર્ટરથી NASA ફેલોશિપ સુધીનો સંઘર્ષ
એકતાના પિતા અર્જુનભાઈ સેલ્સમેન છે અને માતા લત્તાબેન સીવણકામ કરે છે. આ પરિવાર આણંદમાં એક બંગલાના 13×13 ફૂટના સર્વન્ટ ક્વાર્ટરમાં વસવાટ કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં માતા-પિતાએ દીકરીની જિજ્ઞાસાને ક્યારેય દબાવી નહીં. એકતાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી સાબિત કરી દીધું કે સફળતા માટે ભાષા નહીં પણ જ્ઞાનની ભૂખ જરૂરી છે.

શૈક્ષણિક પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ
એકતા શાહે આણંદની પ્રાથમિક અને હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. MSU બરોડામાં ગ્રેજ્યુએશન અને ત્યારબાદ IIT-Mumbaiમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. જ્યાર બાદ તે રોચસ્ટર યુનિવર્સિટી (USA)માં ગઈ. PhD માટે પસંદગી પામેલા વિશ્વના 3 વિદ્યાર્થીઓમાં એકતા સામેલ હતી. વિદેશ જવાના ખર્ચ માટે સમાજ, જ્ઞાતિજનો અને જેમના ક્વાર્ટરમાં તેઓ રહે છે તે NRI પરિવારે પણ તેને આર્થિક મદદ કરી હતી.
અંતરિક્ષમાં 6 નવી આકાશગંગાની શોધ અને ભારતીય નામકરણ
PhD પૂર્ણ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં NASA અનુદાનિત ફેલોશિપ મેળવી એકતાએ સંશોધન હાથ ધર્યું. તેમણે બ્રહ્માંડના પ્રારંભિક કાળના છ નવા આકાશગંગાના સમૂહ શોધી કાઢ્યા છે. આ સિદ્ધિની સૌથી ખાસ વાત એ છે કે એકતાએ આ સમૂહને ભારતીય નામો આપ્યા છે. જેમાં દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિનો સમાવેશ થાય છે.

દેશભક્તિ: વિદેશમાં લલચામણી ઓફરો છતાં ભારત પરત
PhD અને રિસર્ચ દરમિયાન એકતાએ હવાઈ (Hawaii) સ્થિત વિશ્વના સૌથી મોંઘા ટેલિસ્કોપ સેન્ટરમાં કામ કર્યું છે, જેનું એક રાતનું ભાડું જ કરોડોમાં હોય છે. અમેરિકામાં શ્રેષ્ઠ નોકરીની ઓફરો હોવા છતાં, એકતા પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવાના ઈરાદા સાથે ભારત પરત ફરી છે. હાલમાં તેઓ NASAની સબજેક્ટ એક્સપર્ટ પેનલમાં પણ સ્થાન ધરાવે છે.

વાલીઓ માટે સંદેશ
નેશનલ સાયન્સ ડે નિમિત્તે એકતાની આ સફળતા વાલીઓ માટે મોટો બોધપાઠ છે કે બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપો. તેજસ્વી છાત્રો માટે આર્થિક સંકડામણ કે ભાષા ક્યારેય અંતરાય બનતી નથી.
આ પણ વાંચો: Explainer: AIની દોડમાં મજબૂત સ્થાન હાંસલ કરવા ભારતનું 1 લાખ GPUનું સપનું, જાણો કેવી છે તૈયારી









