![]()
MP MBA Student Murder Case: ઈન્દોરના દ્વારકાપુરી વિસ્તારમાં ચાર દિવસ પહેલા MBA વિદ્યાર્થિનીની કરપીણ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કથિત દુષ્કર્મ બાદ દોરડાથી ગળું ઘૂંટી મોતને ઘાટ ઉતારનાર ફરાર આરોપી અને સાથી પીયૂષ ધામનોદિયાની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપીનું લોકેશન ટ્રેક થઈ જતાં મુંબઈ પોલીસને તેને ઝડપી લીધો છે.
વિદ્યાર્થિનીનું આજે પોસ્ટ મોર્ટમ
આરોપીના પરિવારજનો મંદસૌરથી ઈન્દોર પહોંચ્યા છે. જે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવશે. દ્વારકાપુરી પોલીસ સ્ટેશનની ટીમ આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા મુંબઈ પહોંચી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીની પૂછપરછ બાદ હત્યાનું સાચું કારણ અને કાવતરું ખુલશે. તો બીજી તરફ MBA વિદ્યાર્થિનીનું આજે પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવશે.
જન્મદિવસની ઉજવણીનો ફોન કર્યો હતો
પોલીસ મુજબ સાંવેર રોડ સ્થિત એક કોલેજમાં MBAના બીજા વર્ષમાં 24 વર્ષની વિદ્યાર્થિની 10 ફેબ્રુઆરીના રોજ બપોરે દસ્તાવેજ અપડેટ કરવાનું કહીને ઘરથી નીકળી હતી. પિતા તેને મોતી તબેલા ફાયર સ્ટેશન પાસે છોડીને પરત ફર્યા હતા. સાંજે વિદ્યાર્થિનીએ તેની નાની બહેને ફોન કરીને જણાવ્યું હતું કે તે દ્વારકાપુરીમાં ભાડાના મકાનમાં રહેનાર તેના સાથી પીયૂષ ધામનોદિયા સાથે એક દોસ્તના જન્મદિવસની ઉજવણી માટે જઈ રહી છે. રાત્રે તેના મોબાઈલમાંથી મેસેજ આવ્યો કે તે ઘરે નહીં આવે, બીજા દિવસે તેનો સંપર્ક ન થતાં પરિવાર ચિંતિત બન્યો હતો. 11 ફેબ્રુઆરીના રોજ પંઢરીનાથ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી.
નગ્ન હાલતમાં વિદ્યાર્થિની લાશ મળી
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે નગ્ન હાલતમાં વિદ્યાર્થિની લાશ તેના ઘરથી અંદાજિત અડધો કિલોમીટર દૂર સ્થિત આરોપીના ઘરેથી મળી છે. મૃતદેહના ધાબળાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. અને ઘરની બહાર તાળું હતું. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે વિદ્યાર્થિનીની હત્યા દોરડા વળે ગળું દબાવીને કરવામાં આવી. તે ઉપરાંત મૃતદેહ પર ધારદાર હથિયારથી હુમલાના પણ નિશાન મળ્યા. જે હેવાનિયતની નિશાની છે. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થિની સાથે શું શું થયું તેની વિગતો સ્પષ્ટ થશે.
આપત્તિજનક વીડિયો વાઈરલ કર્યા
પોલીસના જણાવ્યું મુજબ આરોપીની તપાસમાં પોલીસ ટીમો સક્રિય કરી દેવામાં આવી હતી. જેમાં આરોપી મૂળ રીતે મંદસૌરના કાલાખેત રોડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતા કરીયાણાની દુકાન ચલાવે છે. પૂછપરછમાં પીડિત પરિવાર પાસેથી એ પણ જાણવા મળ્યું કે કોલેજના વ્હોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થિનીના મોબાઈલથી આપત્તિજનક વીડિયો વાઈરલ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થિનીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. જ્યારે યુવકના ચહેરા પર ઈમોજી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે પીયુષ વીડિયો બનાવીને વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી રહ્યો હતો અને સંબંધીઓને પણ મોકલી રહ્યો હતો.
આરોપી કેવી રીતે પકડાયો?
મોબાઈલ ટાવરના લોકેશનના આધારે આરોપી મુંબઈ હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ તાબડતોબ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આરોપીની ફોટો મોકલવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે સતર્કતા દાખવી આરોપીને પકડી લીધો હતો. હવે ઈન્દોર પોલીસ તેની પૂછપરછ કરશે જે બાદ સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉઠશે.









