![]()
ઉમરાળાના ખાબડી વિસ્તારમાં બાળમંદિર પાસેનો બનાવ
ઉમરાળા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ભાવનગર: ઉમરાળાના ખાબડી વિસ્તારમાં બાળમંદિર પાસે રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો છે.
મુળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં રહી મજુરી કામ કરતા ધુબોભાઈ રમેશભાઈ ડામોર ગત તા.૨૫ના રોજ ઉમરાળા ખાબડી વિસ્તારમાં બાળમંદિર પાસે તેઓ, તેમના પત્નિ, ભાઈઓ અને કાકા પંચાયતી પાણીની લાઈન માટે સર ગાળતા હતા અને તેમના છોકરાઓ તેમની સાથે ત્યાં જ રમતા હતા. આ દરમિયાન સાંજના ૬ કલાકના અરસામાં જીજે-૧૨-બીયુ-૫૭૪૦ના ચાલકે ઝડપભેર આવી તેમના છોકરાઓ રમતા ત્યાં તેમના દિકરા અશ્વિન (ઉ.વ.૦૩)ને અડફેટે લઈ અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને સારવાર માટે ઉમરાળા સરકારી દવાખાને ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અશ્વિનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ધુબોભાઈ રમેશભાઈ ડામોરે ઉમરાળા પોલીસ મથકમાં જીજે-૧૨-બીયુ-૫૭૪૦ નંબરની રિક્ષાના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










