![]()
વડોદરા,એક્સપ્રેસ હાઇવે પર કોઇ જ સિગ્નલ વગર ઉભેલા આયશર ટેમ્પામાં પીકઅપ વાન પાછળથી ઘુસી જતા પીકઅપ વાનનો ડ્રાઇવર સ્ટિયરિંગ અને સીટ વચ્ચે ચગદાઇ જતા મોત થયું હતું.
રાજસ્થાનના બાડમેર જિલ્લાના બેરિવાલા તલામાં રહેતો ૩૦ વર્ષના દિનેશકુમાર ધમારામ સિયોલ ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે તે અમદાવાદથી પીકઅપ વાનમાં માલ ભરીને સુરત જવા નીકળ્યો હતો. મોડીરાતે સાડા બાર વાગ્યે તે એક્સપ્રેસ હાઇવે પરથી જતો હતો. વડોદરા ટોલનાકા પહેલા બ્રિજ નંબર ૨૯ નજીક આગળ ઉભેલા આયશર ટેમ્પોમાં તે પાછળથી ઘુસી જતા ડ્રાઇવિંગ સીટ પર તે ફસાઇ ગયો હતો. પીકઅપ વાનનું બોનેટ ઘુસી જતા તે ચગદાઇ જતા મોત થયું હતું. મૃતકને છાતી અને બંને પગના ઘૂંટણ પર ઇજા થઇ હતી. જે અંગે એક્સપ્રેસ હાઇવે પર કોઇપણ પ્રકારના સિગ્નલ વગર આયશર ટેમ્પો ઉભો રાખનાર ડ્રાઇવર સાકીરઅલી નસ્સરખાન (રહે. ચવંડીકલા પો. તિતારકા, જિ.ખૈરથલ, રાજસ્થાન) સામે મંજુસર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.










