![]()
RBI New Rules 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં 27મી એપ્રિલે બહાર પાડેલા પરિપત્ર મુજબ, જો કોઈ લોન લેનાર પાસે નાણાં હોવા છતાં ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવે, તો તેને માત્ર છ મહિનામાં જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ જાહેર કરી દેવામાં આવશે.
એક ભૂલ અને તમામ એકાઉન્ટ ફ્રીઝ
નવા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકે એકથી વધુ બેંકો કે સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય અને તે કોઈ પણ એક લોનમાં ડિફોલ્ટર જાહેર થાય, તો તેને તેની તમામ લોનમાં ડિફોલ્ટર માની લેવામાં આવશે. આટલું જ નહીં, આવા કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિર્ધારિત બેંકિંગ નિયમો હેઠળ વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટ્સ સ્થગિત (ફ્રીઝ) કરી દેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કડક જોગવાઈઓ પહેલી એપ્રિલ 2026થી અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.
ECL સિસ્ટમથી બેંકોની જોગવાઈમાં વધારો
બેંકિંગ ક્ષેત્રમાં અત્યાર સુધી NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) માટે નફામાંથી જોગવાઈ કરવામાં આવતી હતી, પરંતુ હવે ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) મોડેલ અમલમાં આવશે. બેંકોએ હવે લોન આપતી વખતે જ સંભવિત નુકસાનની ગણતરી કરીને અગાઉથી રકમ અનામત રાખવી પડશે. સ્ટાન્ડર્ડ એસેટ્સ (નિયમિત લોન) માટે પણ બેંકોએ વધુ રકમની જોગવાઈ કરવી પડશે. આ મોડેલને કારણે ટૂંકા ગાળા માટે બેંકોની નફાકારકતા પર અસર પડી શકે છે અને નફો ઘટી શકે છે.
હવે લોન છુપાવી શકાશે નહીં: ઓટોમેટેડ સિસ્ટમ
NPA ઓળખવા માટે હવે તમામ કોમર્શિયલ બેંકોએ ઓટોમેટેડ સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરવી પડશે. આ સિસ્ટમમાં માનવીય દખલગીરી નહિવત રહેશે, જેથી બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મોટી લોન લેનારાઓ હપ્તા ભરવામાં અનિયમિતતા છુપાવી શકશે નહીં. જોકે, NPA જાહેર કરવા માટેનો 90 દિવસનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.
જોખમના આધારે લોનનું વર્ગીકરણ
નવા નિયમો હેઠળ બેંકની અસ્કયામતોને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવશે.
•પ્રથમ કેટેગરી: ઓછામાં ઓછી જોખમી લોન, જેમાં 12 મહિના સુધીના નુકસાનની સંભાવના હોય.
•દ્વિતીય કેટેગરી: જેમાં ધિરાણ સામે વધુ જોખમ જણાતું હોય.
•તૃતીય કેટેગરી: વર્તમાન ધોરણ મુજબ જે લોનની રકમ ફસાઈ ગઈ હોય (NPA).
વધુમાં, લોનની ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે હવે કરારના વ્યાજદરને બદલે ‘ઈફેક્ટિવ ઈન્ટરેસ્ટ રેટ’ ને ધ્યાનમાં લેવામાં આવશે. ભારતીય જાહેર ક્ષેત્રની બેંકોને વૈશ્વિક ધોરણોની હરોળમાં લાવવા માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.








