![]()
Karnataka Congress Tussle: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે હાઈકમાન્ડને આડકતરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘શબ્દોની શક્તિ એ જ દુનિયાની સૌથી મોટી શક્તિ છે, અને વાયદા પૂરા કરવા એ સૌથી મોટી શક્તિ છે.’ તેમના આ નિવેદનને સિદ્ધારમૈયા પછી સત્તા પરિવર્તનની માગ અને તેની સાથે સબંધિત રાજકીય દબાણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
એક કાર્યક્રમને સંબોધતા શિવકુમારે કહ્યું કે, ‘એક કહેવત છે કે, શબ્દોની શક્તિ એ જ દુનિયાની શક્તિ છે, એટલે કે પોતાના વચનનું પાલન કરવું એ દુનિયાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. પછી ભલે તે જજ હોય, ભારતના રાષ્ટ્રપતિ હોય, હું હોઉં, તમે હોય કે તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ હોય, આ જ સૌથી મોટી શક્તિ છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ.’ ત્યારબાદ શિવકુમારે “ખુરશી” વાળી ટિપ્પણી કરી. તેમની આસપાસ ઉભેલા તેમના સમર્થકોને બેસવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું કે, ‘મારી પાછળ જે લોકો ઊભા છે તેમને ખુરશીનું મૂલ્ય નથી ખબર. તેમને જે પણ ખુરશી મળે છે તેના પર બેસવાના બદલે બિનજરૂરી ઉભા રહે છે.’ આ સાંભળીને ત્યાં હાજર લોકો હંસી પડે છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માગ એ જોર પકડ્યું
કોંગ્રેસમાં હાલમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે લીડરશિપને લઈને મતભેદો અંગેની ચર્ચા તેજ બની છે. શિવકુમારનો દાવો છે કે, વિધાનસભા ચૂંટણી જીત્યા પછી અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ સિદ્ધારમૈયા જૂથ આ વાત માનવાનો ઈનકાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીમાં સત્તા પરિવર્તન અંગેનો નિર્ણય 1 ડિસેમ્બર સુધીમાં લેવામાં આવી શકે છે.
દિલ્હીમાં હલચલ તેજ
છેલ્લા કેટલાક અઠવાડિયામાં શિવકુમારને સમર્થન આપતા ધારાસભ્યએ દિલ્હી પહોંચીને પાર્ટી નેતૃત્વ સાથે મુલાકાત કરી છે, જેનાથી પરિવર્તનની અટકળોને વધુ વેગ મળ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, ‘રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને હું સાથે મળીને આનો ઉકેલ લાવીશું.’ સિદ્ધારમૈયાએ પણ કહ્યું છે કે, અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો હશે. બીજી તરફ શિવકુમારે જાહેરમાં ખુદના સીએમ બનવાની માગથી ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું, ‘મેં કંઈ માગ્યું નથી. નેતૃત્વનો નિર્ણય કેટલાક લોકો વચ્ચેનો મામલો છે. હું પાર્ટીને નબળી દેખાડવા નથી માગતો.’










