![]()
– મદુરાઇમાં કોરોના સમયે દુકાન ખુલ્લી રાખવાના નજીવા કેસમાં પકડાયેલા પિતા-પુત્રનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું
– મૃતકોના પરિવારને રૂ. 1.40 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ : જજે રેર કેસ ગણાવી આકરી સજા આપી
મદુરાઇ : તમિલનાડુમાં ૨૦૨૦માં કસ્ટડીમાં જ પિતા પુત્રની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી, આ મામલામાં અનેક પોલીસકર્મીઓ આરોપી હતા જેમાંથી નવ પોલીસકર્મીઓને મદ્રાસની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે ઘટનાને રેરેસ્ટ ઓફ રેર એટલે કે અત્યંત જઘન્ય ગુનાની કેટેગરીમાં રાખી હતી અને આ આકરી સજા આપી હતી. આ ચુકાદો છ વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રાયલ બાદ આવ્યો હતો.
મામલાની સુનાવણી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશંસ જજ જી મુથુકુમારનની કોર્ટમાં થઇ હતી. જેમણે તમામ નવ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. જજે કહ્યું હતું કે કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેના હાથમાં તેઓએ જ કાયદા વિરુદ્ધ જઇ આ ગુનો કર્યો છે. પિતા અને પુત્ર કે જેમની સામે કોઇ જ ક્રિમિનલ કેસ નહોતો તેને કસ્ટડીમાં લઇને ઢોર માર મારવામાં આવ્યો. તમામને ફાંસીની સજા ફટકાર્યાની સાથે કોર્ટે મૃતકોના પરિવારને ૧.૪૦ કરોડ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
તમામ પોલીસકર્મીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૪૨, ૧૯૫, ૨૧૧, ૨૧૮, ૩૦૨, ૧૦૯, ૩૪નો સમાવેશ થાય છે. પિતા પી જયરાજ અને પુત્ર જે બેનિક્સ બન્નેને તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના સથાનકુલમમાં કોઇ કેસ વગર જ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત છે કે બન્ને વિરુદ્ધ કોરોનામાં લોકડાઉન દરમિયાન ૨૦૨૦માં પોતાની મોબાઇલ શોપ ખુલ્લી રાખવાનો સામાન્ય આરોપ હતો. જોકે બન્નેને મૃત્યુ થાય ત્યા સુધી કસ્ટડીમાં માર મારવામાં આવ્યો, આ મામલામાં જે પણ આરોપી પોલીસકર્મીઓ છે તેમાં એક પૂર્વ પીઆઇ, બે પીએસઆઇ, બે હેડ કોન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ૧૯ જૂન ૨૦૨૦ના રોજ કથિત રીતે કોરોના લોકડાઉનના નિયમોનો ભંગ કરવાના આરોપ હેઠળ જયરાજની પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેના એક દિવસ અગાઉ ૧૮ જૂનના રોજ રાત્રે જ્યારે કેટલાક મજૂરો પોતાની મજૂરી લેવા માટે રાહ જોઇ રહ્યા હતા ત્યારે પોલીસે આ મજૂરોની સાથે ગાળાગાળી કરી હતી અને ત્યાંથી મજૂરોને જતા રહેવા કહ્યું હતું. જયરાજે મજૂરોની સાથે પોલીસની ગાળાગાળી સાંભળી લીધી હતી બાદમાં મજૂરોને થોડા સમય માટે રોકી રાખ્યા હતા.
આ જાણકારી પોલીસને મળી ગઇ હતી, બીજા દિવસે રાત્રે ૮ વાગ્યા પહેલા પોલીસ જયરાજને ઉઠાવી ગઇ હતી. જે જોઇને જયરાજનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતાને છોડી દેવા વિનંતી કરી. બાદમાં બન્નેને પોલીસ સ્ટેશનમાં આખી રાત ખુબ માર મારવામાં આવ્યો. જેને કારણે બાદમાં બન્નેના મોત નિપજ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે ઢોર માર માર્યા બાદ બન્ને પિતા પુત્રોને પોતાના જ કપડાથી પોતાનું જ લોહી સાફ કરવા મજબૂર કરાયા હતા. પોલીસ સ્ટેશનના ડીએનએ સેમ્પલમાં આ સમગ્ર મામલાના અનેક રાજ ખુલ્યા હતા, રાત્રે આઠ વાગ્યા પહેલા પોલીસે મારવાનું શરૂ કર્યું હતું જે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું.
આ વર્ષે માત્ર 74 દિવસમાં કસ્ટડીમાં 170 મૃત્યુ : કેન્દ્ર
આ વર્ષના પ્રથમ ૭૪ દિવસોમાં જ દેશમાં કસ્ટોડિયલ ડેથની ૧૭૦ ઘટનાઓ સામે આવી છે. ગૃહ મંત્રાલયે થોડા દિવસ પહેલા જ આ આંકડા સંસદમાં આપ્યા છે. ગયા વર્ષનો આંકડો ૧૪૦ હતો, કસ્ટોડિયલ ડેથમાં બિહાર ૧૯ મૃત્યુ સાથે પ્રથમ , રાજસ્થાન ૧૮ મૃત્યુ સાથે બીજા અને ઉત્તર પ્રદેશ ૧૫ના મોત સાથે ત્રીજા ક્રમે છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા આઠ વર્ષમાં દેશમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલાની સંખ્યા ૧૧૩૧ છે.
એક કોન્સ્ટેબલના નિવેદને હત્યાકાંડનું રહસ્ય ખોલ્યું
મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી, તપાસમાં સામે આવ્યું કે એક મહિલા કોન્સ્ટેબલે નિવેદન આપ્યું હતું કે પિતા-પુત્રને આખી રાત ઢોર માર મારવામાં આવ્યો હતો, પોલીસ સ્ટેશનમાં ટેબલો અને દંડા પર લોહીના નિશાન હતા. એક કોન્સ્ટેબલનું આ નિવેદન આ સમગ્ર મામલામાં મહત્વનો પુરાવો બન્યું હતું. આયોજનપૂર્વક જ કસ્ટડીમાં આ ટોર્ચર કરવામાં આવ્યું હતું. મામલાને દબાવવા માટે તમામ પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જ ગુમ કરી દીધા હતા. રેકોર્ડિંગ આપમેળે જ રોજ ડિલિટ થઇ ગયુ હતું. આ સમગ્ર મામલામાં એક દોષિત પોલીસ ઇન્સ્પેક્ટર એસ. શ્રીધરે સરકારી સાક્ષી બનવાની અરજી કરી હતી જેને પણ ફગાવી દેવાઇ હતી.










