![]()
કુપવાડામાં સૈન્ય દ્વારા મોટુ ઓપરેશન પાર પડાયું
ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી હથિયારો મળી આવ્યા ઘાટીના તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા દરોડા પડાયા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સૈન્યએ પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી દીધી છે. સાથે જ જવાનોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જવાનો પહેલાથી જ એલર્ટ હતા જેને કારણે આ સફળતા મળી હતી. કેરન સેક્ટરમાં અચાનક જ આતંકીઓ દ્વારા ગોળીબાર શરૂ કરી દેવાયો હતો જે બાદ વળતા જવાબમાં સૈન્ય દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં બે આતંકી માર્યા ગયા હતા.
ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું તે બાદથી પાકિસ્તાની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ વધી ગયો છે.
આવા જ એક પ્રયાસને સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સૈન્યના ચિનાર કોર્પ્સ દ્વારા એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ અંગે જાણકારી અપાઇ હતી. જેમાં સૈન્યએ વધુમાં જણાવ્યું હતું કે બે આતંકીઓના માર્યા ગયા બાદ પણ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બીજી તરફ શ્રીનગરમાં પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. તેની પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે મમતા ચોક પાસે નિયમિત વાહનોનું ચેકિંગ કરાઇ રહ્યું હતું આ દરમિયાન જ રજિસ્ટ્રેશન વગરની એક બાઇકને રોકી હતી, જોકે બાઇકચાલક અને પાછળ બેઠેલા બે શંકાસ્પદોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઝડપાઇ ગયા હતા. આરોપીઓના નામ શાહ મુતૈયબ, કામરાન હસન શાહ અને મોહમ્મદ નદીમ છે. બે શ્રીનગરના જ્યારે એક મેરઠનો રહેવાસી છે. જ્યારે અનંતનાગ, સોપોર, પુલવામા, શોફિયાં, બંદીપોરા, બડગામ, અવંતીપોરા, કુલગામ સહિતના અનેક મોટા વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પડાયા હતા. પ્રતિબંધીત સંગઠન હિઝબુલના ગુલામ નહી ઉર્ફે આમીર ખાન અને ઝફર બટના ઘરો પર પણ તપાસ કરાઇ હતી










