![]()
પોરબંદરના શિક્ષક, તેના પત્ની તથા સાળાના મોત, પુત્રીને ઈજા : રાજકોટ ખાતે પત્નીને તલાટી – મંત્રીની પરીક્ષા અપાવી પરત ફરતા હતા ત્યારે શિક્ષકે કારના સ્ટિઅરીંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત
પોરબંદર, : પોરબંદરના કુતિયાણા નજીક ગઈકાલે રાત્રે રેલીંગ સાથે કાર અથડાતા યુવાન શિક્ષક અને તેની પત્ની અને સાળા સહિત 3ના મોત થયા છે. જયારે તેની પુત્રીને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી.
અકસ્માતની વિગત એવી છે કે, પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા નવાપરામાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેભાઈ ભાયાભાઈ ભુતીયા, તેના પત્ની આશાબેનને રાજકોટ ખાતે તલાટીમંત્રીની પરીક્ષા હોઈ તે આપવા માટે ગયા હતાં. તેની સાથે તેમની 5 વર્ષની પુત્રી નૈતિકા તથા આશાબેનના ભાઈ જયમલભાઈ વિજાણંદભાઈ ઓડેદરા વગેરે કારમાં રાજકોટ ખાતે પરીક્ષા દઈને પોરબંદર પરત ફરતા હતા. રાત્રે સવાદસ વાગ્યા આસપાસ કાર શિક્ષક માલદેભાઈ ભુતીયા ચલાવતા હતાં. કુતિયાણાના માંજાપરાથી આગળ હાઈવે પર કોઈ રીતે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા તેમની કાર પુલની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત થતા ચીસો સાંભળીને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતાં. જયાં ફરજ પરના ડોકટરોએ શિક્ષક માલદેભાઈ ભાયાભાઈ ભુતિયા તથા તેના પત્ની આશાબેન અને સાળા જયમલભાઈ વિજાણંદભાઈ ઓડેદરા એમ ત્રણે વ્યક્તિઓનું મોત થયાનું જાહેર કર્યું હતું. જયારે 5વર્ષની નૈતિકાને ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે પોરબંદર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. કુતિયાણા પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે.
2 માસ પૂર્વે જ વિદ્યાસહાયક તરીકે નોકરી મળી હતી
મૃતક માલદેભાઈ ભુતીયાને બે મહિના પહેલાં જ વિદ્યાસહાયક તરીકે રાતડીમી સીમશાળામાં નકોરી મળી હતી. તે પહેલાં તેઓ સોલાર કંપનીમાં મેનેજર તરીકે અને અગાઉ ઓડદર ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું ખુલ્યું છે.










