Farmers Assistance Form: પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો ફોર્મ ભરવા દોડધામ કરી રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ગ્રામ પંચાયતમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે પણ રૂ.50-100 લે છે. ખેડૂતો પાસેથી રીતસર ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતો રોષે ભરાયાં છે.
ખેડૂતોને કૃષિ સહાયનો લાભ મળતાં હજુ એક મહિનો લાગશે
કૃષિ સહાયનો લાભ મેળવતા હજુ ખેડૂતોને એકાદ મહિનો વીતી જાય તેમ લાગી રહ્યુ છે. ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ ખેડૂતો ગ્રામ પંચાયતમાં કૃષિ સહાયના ફોર્મ ભરવા જાય તો, વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર રૂ.50-100 લે છે. ઘણાં સ્થળોએ નિયમ વિરુદ્ધ ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે.
ફોર્મ દીઠ માત્ર રૂ.12: રાજ્ય સરકારે ચૂકવણું નક્કી કર્યું
એવું જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકારે ખેડૂતનું ફોર્મ ભરવા માટે રૂ.12 ચૂકવવા નક્કી કર્યુ છે. વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરનું કહેવુ છે કે, અગાઉ આવી જ કામગીરી કરી છે ત્યારે છેલ્લાં ચારેક વર્ષથી વીજબીલ જ નહીં કમિશન સુઘ્ધાં ચૂકવાયુ નથી. વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરે છે સાથે સાથે 15 દિવસની ટૂંકી મુદતમાં ફોર્મ ભરવાની કામગીરી પૂરી કરવી શક્ય નથી.
આ પણ વાંચો: નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા
સરકારના પાપે નિર્દોષ ખેડૂતો દંડાઇ રહ્યાં છે
ઘણાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો કે, માત્ર ફોર્મ ભરાવીને સરકાર ખેડૂતોને હેરાન કરે છે. સરકારના પાપે નિર્દોષ ખેડૂતો દંડાઇ રહ્યાં છે. સરકારી તાયફા પાછળ લાખો કરોડો ખર્ચ કરાય છે જ્યારે વલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરને બાકી મહેનતાણું પણ ચૂકવાતુ નથી. આમ, કૃષિ સહાય મુદ્દે એક પછી એક ડખાં ઉભા થઇ રહ્યાં છે જેથી ખેડૂતોને હેરાનગતિ થઇ રહી છે.











