![]()
વડોદરા : અલકાપુરી ગરનાળાની માલિકી કોની
તે બાબતે રેલવે અને વડોદરા મહાનગર પાલિકા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો
હતો. રેલવેની ના છતા કોર્પોરેશન દ્વારા ગરનાળાની દીવાલો પર જાહેરાતો લગાવવાનો કોન્ટ્રાક્ટ આપી કોર્પોરેશન
લાખોની કમાણી કરતું હોઇ રેલવે દ્વારા સિવીલ કોર્ટેમાં દાવો દાખલ કરી દાદ માંગવામાં
આવી હતી. આ અંગેનો દાવો ચાલી જતા ન્યાયાધીશે અલકાપુરી ગરનાળાની માલિકી રેલવેની
હોવાનું ઠરાવી કોર્પોરેશને જાહેરાત પેટે રૃા.૧.૧૯ કરોડની જે કમાણી કરી હતી તે રકમ
૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, અલકાપુરી રેલવે ગરનાળુ વર્ષ ૧૮૭૫માં રેલવે
દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની માલિકી રેલવેની હતી. જો કે, તેમ છતાં વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૦૪માં ગરનાળાની માલિકી તેની હાય
તે રીતે ગરનાળાની દીવાલો પર જાહેરાતો લગાવવા અંગેનું ટેન્ડર બહાર પાડી સાઇ એન્ટર
પ્રાઇઝ સાથે કરાર કરી પરવાનગી આપવામાં આવી હતી.
આખરે રેલવેના જનરલ મેનેજર (મુંબઇ) ડિવીઝનલ મેનેજર (વેસ્ટર્ન
રેલવે વડોદરા) અને સિનિયર ડિવીઝન મેનેજર કોમર્શીયલ (પ્રતાપનગર)એ સિવીલ કોર્ટમાં
વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે દાવો દાખલ કર્યો હતો. દાવામાં ગરનાળાની માલિકી તેમજ
જાહેરાત દ્વારા પાલિકાએ જે કમાણી કરી હોઇ તે વ્યાજ સાથે વસુલવા અંગેની દાદ
માંગવામાં આવી હતી. દાવામાં રલવે તરફે સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા.
ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવને ધ્યાનમાં રાખી
રેલવે ગરનાળાની માલિકી રેલવેનું હોવાનું ઠરાવ્યું હતું. ન્યાયાધીશે પાલિકાને રેલવે
ગરનાળામાં જાહેરાત મારફતે જે આવક થઇ હતી તે રૃા.૧,૧૯,૦૫,૫૭૮ની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરતા વ્યાજની રકમ પેટે
કોર્પોરેશનને રૃા.૬૮ લાખ ચૂકવવા પડશે એટલે કુલ રૃા.૧.૮૭ કરોડની રકમ હવે
કોર્પોરેશનને ચૂકવવી પડશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. અદાલતે ડિક્રી બાદ જો પાલિકા
રકમ ન ચૂકવે તો ૯ ટકાનું વ્યાજ ગણવામાં આવશે તેમ પણ ચૂકાદામાં જણાવવામાં આવ્યું
હતું. તેમજ ૬૦ દિવસમાં જાહેરાતના બોર્ડ દુર કરવાનો પણ આદેશ કર્યો હતો.
૨૦૧૬ની મિટીંગ બાદ પણ કોમર્શિયલ ઉપયોગ શરુ રહ્યો હતો
પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કોઇ અન્ય વ્યક્તિ ઘુસી જાય અને પોતાની
માલિકીનો દાવો કરે તેવી ઘટનાઓ તો અનેક બનતી હોય છે પરંતુ એક સરકારી કચેરી બીજા
સરકારી ડિપાર્ટમેન્ટની જગ્યામાં દબાણ કરી કમાણી કરે તેવો આ એક અજીબો ગરીબ કિસ્સો
સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં રલવેના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુ.કમિશનર વચ્ચે મિટીંગ
યોજાઇ હતી અને તેમાં અલકાપુરી ગરનાળાનો ઉપયોગ કોમર્શિયલ તરીકે ન કરવાનું ઠરાવવામાં
આવ્યું હતું અને તેની મિનિટ્સ પણ નક્કી કરાઇ હતી. જો કે, તેમ
છતાં કોર્પોરેશન ટેન્ડર મંગાવી જાહેરાતનો કોન્ટ્રાક્ટ આપી અનઅધિકૃૃત રીતે કમાણી
કરી હતી.










