![]()
Maharashtra Local Body Election : મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA) એકબીજાની વિરુદ્ધમાં છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દોસ્તી અને દુશ્મનીની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી એકતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ તો બીજીતરફ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSPના નેતાઓ એકબીજાના ગઠબંધન પર આકરા પ્રહારો અને ગંબીર આક્ષેપો કરતા જોવા મળતા હતા, જોકે હવે આ છ પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકબીજાને દગો આપતા જોવા મળી રહ્યા છે.
આવતીકાલે મતદાન
મહારાષ્ટ્રની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની બેઠકો પર આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે બંને ગઠબંધનોમાં તિરાડ પડી ગઈ છે. આમ તો શિવસેનાના બે ભાગલા પડ્યા બાદ શિંદે અને ઉદ્ધવની પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. જોકે બંને આ ચૂંટણીમાં અનેક બેઠકો પર સાથે લડી રહ્યા છે.
મૂંઝવણ : કયો પક્ષ કોના વિરુદ્ધમાં
રિપોર્ટ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કેટલીક બેઠકો પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની પાર્ટી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે, તો કેટલીક બેઠકો પર શિવસેનાએ અજિત પવાર (Ajit Pawar)નું સમર્થન મેળવીને ભાજપના વિરુદ્ધમાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહીં અજિત પવારની પાર્ટી અને શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી પણ એક થઈ ગઈ છે અને કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધ છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના બંને મોટા મહાગઠબંધનની પોલ ખુલી ગઈ છે. તો આ ખેલમાં રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીનો પણ ખેલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
જુઓ, કયો પક્ષ કોની વિરુદ્ધમાં અને સમર્થનમાં
- ચાકણ નગરમાં શિંદે-ઠાકરે V/s ભાજપ : પુણે જિલ્લાની ચાકણ નગર પરિષદમાં શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર મનીષા સુરેશ ગોર પ્રમુખ પદ માટે મેદાનમાં છે. શિંદે જૂથના ધારાસભ્ય શરદ સોનવાણે અને શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય બાબાજી કાલે તેમને સમર્થન આપી રહ્યા છે. આની પાછળનું કારણ એ છે કે ચાકણ પાલિકાની સીટ પર ભાજપ મેદાનમાં છે. ભાજપને હરાવવા માટે શિંદે અને ઉદ્ધવ ઠાકરેના બંને શિવસેના જૂથો એકસાથે આવ્યા છે.
- કનકાવલીમાં શિંદે-ઠાકરે V/s ભાજપ : સિંધુદુર્ગ જિલ્લાની કનકાવલી નગર પરિષદ સીટ પર એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આપસમાં હાથ મિલાવ્યા છે. કનકાવલી નગર પરિષદ સીટ પર ઉદ્ધવની શિવસેના (યુબીટી) તરફથી સંદેશ પારકર અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. અહીં શિવસેના (યુબીટી)નો મુકાબલો ભાજપ સાથે છે. ભાજપને હરાવવા માટે શિંદે અને ઉદ્ધવના નેતાઓએ આપસમાં હાથ મિલાવ્યા છે.
- ઓમેગામાં શિંદે-કોંગ્રેસ V/s ભાજપ : ધારાશિવ જિલ્લાની ઓમેગા નગર પરિષદમાં શિંદેની શિવસેનાએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. પૂર્વ શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે કોંગ્રેસ સાથે ગઠબંધનની નવી કેમિસ્ટ્રી બનાવી છે. ઓમેગા સીટ પર પ્રમુખ પદ માટે ભાજપના હર્ષવર્ધન ચાલુક્યા સામે ટક્કર છે.
- ચોપરામાં શિંદે-કોંગ્રેસ V/s ભાજપ : જલગાંવના ચોપરામાં એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય ચંદ્રકાંત સોનવાણેએ અધ્યક્ષ પદ માટે પોતાના નજીકના નેતાને ઉતાર્યા છે, પરંતુ ભાજપ મેદાનમાં હોવાથી તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. શિંદેની તસવીરની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીરો પણ જોવા મળી રહી છે. આનું કારણ એ છે કે ભાજપે ઘણી સીટ પર એકનાથ શિંદેના નેતાઓ સામે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે, તેથી શિંદે જૂથે હિસાબ બરાબર કરવા માટે વિરોધી જૂથ સાથે ગઠબંધન કર્યું છે.
- યેઓલામાં શિંદે-શરદ V/s ભાજપ-અજિત : નાસિક જિલ્લાની યેઓલા નગર પરિષદ સીટ પર એકનાથ શિંદેની શિવસેનાના રૂપેશ દરાડેએ એનસીપી (શરદ પવાર જૂથ)ના માણિકરાવ શિંદે સાથે મળીને ભાજપ-એનસીપી (અજિત પવાર જૂથ) ગઠબંધનને પડકાર ફેંકી રહ્યા છે.
- દહાણુમાં શિંદે-શરદ-અજિત V/s ભાજપ : પાલઘરની દહાણુ નગર પરિષદ સીટ પર પણ આવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં શિંદેની શિવસેનાએ અજિત પવાર અને શરદ પવાર બંનેના એનસીપી જૂથ સાથે ગઠબંધન કર્યું છે. અહીં તેમનો મુકાબલો ભાજપ સાથે છે.
- કાગલમાં શરદ-અજિત V/s શિંદે : કોલ્હાપુર જિલ્લાની કાગલ સીટ પર બંને એનસીપી જૂથોએ હાથ મિલાવીને શિંદેની શિવસેના વિરુદ્ધ મેદાન સંભાળ્યું છે.
- જયસિંહપુરમાં ભાજપ-કોંગ્રેસ V/s શિંદે : કોલ્હાપુરની જયસિંહપુર નગર પરિષદ માં ભાજપ, કોંગ્રેસ અને ખેડૂત-કેન્દ્રિત સ્વાભિમાની શેતકરી સંગઠન (SSS) એ શિંદેની શિવસેના સમર્થિત રાજર્ષિ શાહૂ અઘાડી સામે એકસાથે મેદાનમાં છે.
- ભગુરમાં ભાજપ-શરદ-અજિત-કોંગ્રેસ-MNS V/s શિંદે : નાસિકની ભગુર નગર પરિષદ સીટ પર શિંદે વિરુદ્ધ તમામ પક્ષો એકસાથે આવ્યા છે. ભાજપ, બંને એનસીપી જૂથો, શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એમએનએસ (MNS) એક થઈ ગયા છે. આ બધા મળીને શિંદેની શિવસેનાના ઉમેદવાર અનિતા વિજય કરંજકરને હરાવવા માંગે છે.
- ડોમ્બિવલીમાં ભાજપ V/s શિંદે : કલ્યાણ-ડોમ્બિવલીમાં ફડણવીસે શિંદેના પુત્ર શ્રીકાંતના નજીકના નેતાને ભાજપમાં સામેલ કરી લીધા છે. તેના જવાબમાં શિંદેએ પણ ભાજપના ઘણા કોર્પોરેટરોને પોતાની સાથે ભેળવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી










