![]()
મુંબઈ : સતત વેચવાલીના દબાણને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝ બજારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ઘટી ૮૮૫૨૦ ડોલર સાથે સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જો કે નીચા મથાળેથી ભાવમાં રિકવરી જોવા મળી હતી અને મોડી સાંજે ભાવ ૯૧૯૦૦ ડોલર કવોટ થતા હતા.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા હવે ૩૦ ટકા પર આવી જતા ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાંથી રોકાણકારો દૂર થઈ રહ્યા છે અને ડોલર તરફ વળી રહ્યા છે. વ્યાજ દર જાળવી રાખવાના કિસ્સામાં ડોલરમાં આકર્ષણ વધવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ડોલર ઈન્ડેકસ ફરી ૧૦૦ના સ્તરને પાર કરી ગયો હતો.
અમેરિકાનો શ્રમ વિભાગ ઓકટોબરના જોબ ડેટા જાહેર કરનાર નહીં હોવાથી ફેડરલ રિઝર્વ ડેટાની ગેરહાજરીમાં કોઈપણ નિર્ણય લેવા પહેલા સાવચેતી ધરાવશે તેવો બજારમાં મત પ્રવર્તી રહ્યો છે.
ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર જાળવી રાખવા કે તેમાં વધુ ઘટાડો કરવો તે અંગે ફેડરલ ઓપન માર્કેટ કમિટિના સભ્યોમાં મતમતાંતર હોવાનું કમિટિની ઓકટોબરની મીટિંગની આવેલી મિનિટસ પરથી સંકેતો મળી રહ્યા છે. અમેરિકામાં વ્યાજ દર ૨૫ બેઝિસ પોઈન્ટ ઘટી ૩.૫૦થી ૩.૭૫ ટકાની રેન્જમાં આવી જશે તેવી એક મહિના પહેલા ૯૮ ટકા લોકો ધારણાં રાખતા હતા તે હવે ઘટી ૩૦ ટકા પર આવી ગઈ છે.
ડેટાના અભાવે નીતિવિષયકો માટે માહિતીસભર નિર્ણય લેવાનું મુશકેલ બની ગયું છે. ઓકટોબરમાં શટડાઉનને કારણે જોબ ડેટા જાહેર નહીં થાય તેવી લેબર વિભાગે જાણકારી આપી હતી.
આમ અનિશ્ચિત દિશા વચ્ચે સંસ્થાકીય ખેલાડીઓ જોખમી એસેટસથી દૂર રહેતા ભાવ પર અસર જોવા મળી રહી છે. બિટકોઈન ઉપરાંત અન્ય મુખ્ય ક્રિપ્ટો એથરમ, એકસઆરપી, સોલાનામાં પણ વધઘટ જોવા મળી હતી.










