![]()
Petrol Diesel Price: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થવા છતાં દેશમાં સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તું થવા છતાં ભારતમાં ઇંધણના ભાવ તાત્કાલિક ઘટશે નહીં. તેમણે આ પાછળ પશ્ચિમ એશિયાના સંકટ, ઓઇલ કંપનીઓને થયેલું મોટું નુકસાન અને લોજિસ્ટિક્સ પડકારોને મુખ્ય કારણ ગણાવ્યા છે.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ટ્રાફિક અને લોજિસ્ટિક્સ નડ્યા
કેન્દ્રીય મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થાય એટલે તરત જ સ્થાનિક બજારમાં ભાવ ઘટાડી શકાતા નથી, કારણ કે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. સસ્તા દરે ખરીદાયેલું ક્રૂડ ઓઇલ ભારત પહોંચવામાં સમય લે છે. હાલમાં ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ દરિયાઈ માર્ગે જહાજોનો ભારે ટ્રાફિક હોવાથી સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. પરિણામે સ્થિતિ સામાન્ય થતાં હજુ થોડો સમય લાગશે અને ત્યાં સુધી ભાવ ઘટાડો શક્ય નથી.
સરકારી કંપનીઓને ₹12,000 કરોડનું નુકસાન
સુરેશ ગોપીએ એનર્જી માર્કેટની અસ્થિરતા અંગે વાત કરતાં કહ્યું કે ચાલુ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવને કારણે ગ્લોબલ ઓઇલ માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો હતો. તે સમયે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ(OMCs) નુકસાન વેઠીને પણ કિંમતો કાબૂમાં રાખી હતી.
આ દરમિયાન સરકાર અને ઓઇલ કંપનીઓએ આશરે રૂ.12,000 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. આ નુકસાનની ભરપાઈ કરવી પણ જરૂરી છે, કારણ કે કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ પણ આર્થિક રીતે ટકી રહેવું પડશે. આ સાથે જ તેમણે ટકોર કરી હતી કે ઇંધણના ઊંચા ભાવો દરમિયાન કોઈ પણ રાજ્ય સરકારે પોતાની ડ્યુટી ઘટાડીને ટેક્સની આવક જતી કરી નહોતી.
આ પણ વાંચો: ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સ્થિતિ
બીજી તરફ વૈશ્વિક બજાર પર નજર કરીએ તો ગુરુવારે ક્રૂડ ઓઇલના ભાવમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડ (Brent Crude) 1.64% તૂટીને બેરલ દીઠ આશરે $78 પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડની કિંમતમાં પણ 2%નો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે તેનો ભાવ ઘટીને બેરલ દીઠ લગભગ $75 પર આવી ગયો હતો. આમ છતાં, સ્થાનિક માર્કેટના સમીકરણો અને આંતરિક લોજિસ્ટિક્સ ફેક્ટર્સને કારણે ભારતીય ગ્રાહકોએ સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે હજુ રાહ જોવી પડશે.










