![]()
વડોદરા, ગંભીરાને જોડતા મહિ નદી પરનો બ્રિજ તૂટી પડતા લોકો વાહનો સાથે નદીમાં પડયા હતા. આ દુર્ઘટનામાં બચી ગયેલા અને સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્તનું આજે સાંજે મોત થતા કુલ મૃત્યુ આંક ૨૨ પર પહોંચ્યો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા બ્રિજનો ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટનાના દિવસે તંત્રે હાથ ધરેલા ઓપરેશનમાં બે માસૂમ બાળકો સહિત ૧૩ લોકોના મૃતદેહ મળ્યા હતા. ત્યારબાદ વધુ પાંચ લોકોના મૃતદેહ મળ્યા હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પાંચ લોકોને સયાજી હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી સમગ્ર પરિવાર ગુમાવનાર દરિયાપુરની મહિલા સોનલબેન પઢિયારને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે પૈકી બોરસદ તાલુકાના દહેવણ ગામના ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં.વ.૪૫ નું સારવાર દરમિયાન ગત ૧૧ મી તારીખે સવારે મોત થયું હતું. જ્યારે છેલ્લા ૨૭ દિવસથી સારવાર લેતા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાની શેરડી ગામે રહેતા ૪૦ વર્ષના દિલીપભાઇ રાયસિંહભાઇ પઢિયારનું પણ આજે સાંજે મોત થયું છે. દિલીપભાઇને હાથ અને પગ પર ઇજા પહોંચી હતી. તેઓનું ઓપરેશન કરીને એક પગની ચામડી બીજા પગ પર લગાડવામાં આવી હતી. તેઓને ફેફસામાં ઇન્ફેક્શન પણ થયું હતું. તેઓની હાલત ગંભીર હોઇ આઇ.સી.યુ.માં સારવાર હેઠળ હતા.










