![]()
Supreme Court Bans Hand-Pulled Rickshaws: દેશની આઝાદીના 78 વર્ષ પછી પણ હાથથી ખેંચાતી રિક્ષાઓના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત છે. કોર્ટે બુધવારે (છઠ્ઠી ઓગસ્ટ) મહારાષ્ટ્ર સરકારને છ મહિનાની અંદર માથેરાનમાં આ અમાનવીય પ્રથા બંધ કરવા અને તેને ઈ-રિક્ષાથી બદલવાનો આદેશ આપ્યો. રાજ્ય સરકારને માથેરાનમાં સ્થાનિકોને ઈ-રિક્ષા ભાડે આપવાની શક્યતા શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેમ ગુજરાતના અધિકારીઓએ કેવડિયામાં કર્યું હતું.
જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું…
સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું, ‘ભારત જેવા વિકાસશીલ દેશમાં, માનવ ગૌરવની મૂળભૂત વિભાવનાની વિરુદ્ધ આવી પ્રથાને મંજૂરી આપવી, સામાજિક અને આર્થિક ન્યાયના બંધારણીય વચનોને નબળી પાડે છે.’ આ સાથે બેન્ચે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
માથેરાન એક એવું હિલ સ્ટેશન છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા નદીના સાધુ બેટ ટાપુ પર આવેલી છે અને અધિકારીઓએ સ્થાનિક લોકોને ઈ-રિક્ષા ભાડે આપી છે. બેન્ચે સ્વતંત્રતાના 78 વર્ષ અને બંધારણ લાગુ થયાના 75 વર્ષ પછી પણ હાથથી ખેંચાતી રિક્ષાનો ઉપયોગ કરવાની પ્રથાની નિંદા કરી અને તેને અમાનવીય ગણાવી.
આ પણ વાંચો: આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન
હાથથી ખેંચાતી રિક્ષાના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટે ‘આઝાદ રિક્ષા ચાલક સંઘ વિરુદ્ધ પંજાબ રાજ્ય’ કેસમાં તેના 45 વર્ષ જૂના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘સાયકલ-રિક્ષા બંધારણની પ્રસ્તાવનામાં સામાજિક ન્યાયના વચન સાથે સુસંગત નથી. ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદ રિક્ષા ચાલક સંઘ કેસમાં આ અદાલત દ્વારા કરવામાં આવેલા અવલોકનોના 45 વર્ષ પછી પણ માથેરાનમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખેંચવાની પ્રથા ચાલુ છે.’
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું તેમણે કહ્યું, “આપણે પોતાને પૂછવું જોઈએ કે શું આ પ્રથા સામાજિક અને આર્થિક સમાનતા અને સામાજિક અને આર્થિક ન્યાયના બંધારણીય વચન અનુસાર છે? જવાબ ના હશે. ગરીબી ઘણીવાર લોકોને આવા કામ કરવા માટે મજબૂર કરે છે, પરંતુ આર્થિક મજબૂરી માનવ શ્રમના અપમાનને ન્યાયી ઠેરવી શકતી નથી.’









