![]()
– 999 વીઘામાં ફેલાયેલા તળાવની આસપાસના ખેડૂતોને સિંચાઇના પાણી માટે રઝળપાટ
– ખેડૂતો રજૂઆતો કરવા જતા નાની સિંચાઇ અને નર્મદા વિભાગની એક બીજાને ખો : નર્મદા વિભાગે હવે કાંસની સફાઇની હૈયાધારણા આપી,
નડિયાદ : ખેડાના ગળતેશ્વર તાલુકામાં ૯૯૯ વીઘામાં ફેલાયેલું ખાખરીયા તળાવની આસપાસના ખેડૂતો સિંચાઇ માટે વલખાં મારી રહ્યાં છે. તળાવમાંથી નિકળતી મુખ્ય કાંસની ૧૫ વર્ષથી સફાઇ કરવામાં આવી નથી. કાંસમાં ગંદકી અને ઝાડી – ઝાંખરાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે અને તંત્રની ઘોર બેદરકારીના કારણે ૩ ગામોની ૨૦૦૦ વીઘા ખેતી લાયક જમીન સિંચાઇ વિહોણી બનતા આજે ૨૦૦થી વધુ ખેડૂતો પાણી મેળવવા માટે રઝળપાટ કરી રહ્યાં છે. ખેડૂતો નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરવા માટે જતા કોઇ ન મળતા આક્રોશ ફેલાયો છે.
ગળતેશ્વર તાલુકાના ખેડૂતો સિંચાઇના પાણી માટે કચેરીના ધક્કા ખાઇ રહ્યાં છે. નાના સિંચાઇ વિભાગ અને નર્મદા વિભાગ વચ્ચે સંકલનના અભાવે ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેડૂતો નાની સિંચાઇ વિભાગ પાસે જાય છે. ત્યારે નર્મદા વિભાગનું કારણ આગળ ધરવામાં આવે છે. નર્મદા વિભાગ પાસે રજૂઆત માટે જાય ત્યારે નાની સિંચાઇ વિભાગની જવાબદારી હોવાનું કહીને હાથઅધ્ધર કરે છે. એક બીજા વિભાગને ખો ના કારણે ખેડૂતોને પાણીના અભાવે પાક મુરઝાઇ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. જયારે ખેડૂતો નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. પરંતું કચેરીમાં કોઇ જવાબાદાર અધિકારી હાજર ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. બાદમાં સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆતો કરી હતી. બાદમાં નર્મદા વિભાગે નમતું જોખ્યું હતું. ખાખરીયા તળાવમાંથી નિકળતી કાંસની સફાઇ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપી હતી.
નોંધનીય છે કે, ગળતેશ્વરના વિસ્તારોમાં ખેતી મુખ્ય જીવાદોરી છે. ૧૫ વર્ષ થયા છતા પણ કાંસની સફાઇ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ મામલે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ આશ્વાસન જ આપવામાં આવ્યું છે. કાંસની સફાઇ નહીં થતાં છેવાડા સુધી પાણી પહોંચી શક્તું નથી.










