![]()
ખોરાજ ગામમાં આઠ વર્ષ અગાઉ
ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો ઃ આરોપીને એક લાખ રૃપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ખોરજ ગામમાં આઠ વર્ષ અગાઉ મકાનમાંથી ૧૬
કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં ગાંધીનગર સેશન્સ કોર્ટમાં
કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને દસ વર્ષની સખત
કેદની સજા અને ૧ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૧૮માં રાજેશકુમાર
જંગલીમહતો મલ્લા મૂળ રહે. બેગૂસરાઇ,
બિહાર અને હાલ રહે. ખોરાજ,
જિ. ગાંધીનગર ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લાવ્યો હતો. ચાર જુલાઈ ૨૦૧૮ના રોજ
સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં તપાસ દરમિયાન રાજેશકુમારના
ખોરાજ સ્થિત મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘરની ઝડતી તેના કબ્જામાંથી વગર
પાસ પરમીટનો ૧૬.૯૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અડાલજ પોલીસ
સ્ટેશનમાં એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેસ ગાંધીનગરના
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્માની કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર પક્ષે સરકારી
વકીલ પ્રિતેશ ડી. વ્યાસ હાજર રહ્યા હતા. જેમણે કેસ દરમિયાન પ્રોસીક્યુશન દ્વારા
કુલ ૫૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ૨૨ સાહેદોને તપાસવામાં
આવ્યા હતા. જેમાં રેડ કરનાર પોલીસ ઈન્સ્પેકટર પી. આઇ. સોલંકી, ફરીયાદી પીએસઆઇ
બી. એમ. પટેલ, એફએસએલ
અધિકારી વાય. એસ. વાઢેર અને તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. વાઘેલાની જુબાની
મહત્વની સાબિત થઈ હતી. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, સમાજમાં આવા
ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જે યુવાધનને બરબાદ કરી રહ્યું છે. સમાજમાં દાખલો
બેસે અને ગુનેગારો આવા કૃત્યો કરતા અટકે તે માટે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ.
જેનાં આધારે આરોપી રાજેશકુમારને દોષિત ઠેરવ્યો હતો અને કોર્ટે આરોપીને ૧૦ વર્ષની
સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો તેને વધુ
૧ વર્ષની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.










