![]()
Kutch News: ગુજરાતમાં સતત વધી રહેલા હત્યાના બનાવો વચ્ચે વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કચ્છના રાપર તાલુકાના કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિર પાસે 19 વર્ષના યુવક નરેશ સામાભાઈ કોલીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકના કાકાએ જ આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભત્રીજી સાથે સંબંધની શંકામાં હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર રાપરના મોમાય વાંઢ ગામના વતની નરેશ કોલીની તેના જ કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે રહેંસીને હત્યા કરી નાખી છે. નરેશ અને તેના કાકા વચ્ચે ઘણા સમયથી ભત્રીજી સાથેના આડા સંબંધોને લઈને મનદુ:ખ ચાલતું હતું. જેને લઇને કાકાએ નરેશની છાતી, કમર અને ગળાના ભાગે આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
જે જગ્યાએ આ હત્યા થઈ તે સ્થળ લોકમેળાથી થોડે જ દૂર છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
હત્યા બાદ આરોપી કાકો ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે કોમ્બીંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આરોપીને શોધી કાઢવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં સતત વધી રહેલા આવા ગુનાહિત બનાવો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે.










