![]()
Gujarat SIR: કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. જોકે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે,‘SIR’ની કાતર ફરશે તો, ગુજરાતમાં પાતળી સરસાઇ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. આ કારણોસર વર્તમાન ધારાસભ્ય જ નહીં, રાજકીય પક્ષોમાં ડર પેઠો છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી
એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો થશે જેલ?
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં પણ 50 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે. એકથી વઘુ સ્થળે નામ ધરાવતા મતદારોની સંખ્યા પણ ઘણી મોટી હોવાની સંભાવના છે. જોકે, કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ મુજબ, હવે એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો પોલીસ ફરિયાદ જ નહીં, જેલની સજાની જોગવાઇ છે. આ જોતાં હવે મતદારો પણ જાગૃત થયાં છે. સામે ચાલીને મતદારો પોતાના નામ એકથી વઘુ સ્થળે તો નથી તે મુદ્દે જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ જ નહીં, નામ પણ કમી કરાવી રહ્યાં છે. આ મામલે રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરાઇ છે કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા નિષ્પક્ષપણે કરવામાં આવે.
રાજકારણીઓના દબાણ છતાંય બુથ લેવલ અધિકારી અડગ
બીજી બાજું, વિધાનસભામાં કેટલીય બેઠકો પર પાતળી સરસાઇથી હાર જીત થઈ હતી. SIRની કાતર ફરશે તો આ બધીય બેઠકો પર મતોમાં મોટો ઉલટફેર થઇ શકે છે. તેનુ કારણ એ છે કે, ડબલિયા મતદારોની બાદબાકી થઇ જશે. એવી પણ ફરિયાદ ઉઠી છે કે, કેટલાંક સ્થળોએ રાજકીય નેતા-કાર્યકરોએ બીએલઓ પાસેથી ફોર્મ પડાવી લીધા છે જેથી મતદારોના બે સ્થળે નામ યથાવત રહે. જોકે, જેલ અને પોલીસ ફરિયાદના ડરથી મતદારો જ રાજકારણીઓની વાતમાં આવે તેમ નથી. મતદારો જ સામે ચાલીને મતદાર યાદીમાં બે સ્થળે નામ હોય તો કમી કરાવી રહ્યાં છે. જોકે, રાજકારણીઓના દબાણ છતાંય બુથ લેવલ અધિકારી અડગ રહ્યાં છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ
મોટાભાગની મતદાન બેઠકના સમીકરણ બદલાશે
આ જોતાં વર્તમાન ધારાસભ્ય અને રાજકીય પક્ષો ક્યાંક નવા મતદારોને ઉમેરવા માટે દોડધામ મચાવી રહ્યાં છે તો ક્યાંક ડબલિયા મતદારોના નામ કમી કરવા રાજકીય નેતાઓ સક્રિય બન્યાં છે. રાજ્ય ચૂંટણી પંચને એવું સૂચન કરાયુ છે કે, જો આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને જોડી દેવાય તો, આ માથાકૂટ જ કરવી પડે તેમ નથી. ટૂંકમાં, આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે તો, મોટાભાગની વિધાનસભા બેઠકો પર મતોની સંખ્યામાં ફેરફાર આવશે.










