![]()
વડોદરાઃ શહેરના કોમ્પ્લેક્સોમાં આગના બનાવો દરમિયાન ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે.તેમાં પણ જ્યારે કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ બંધ હોય અને આગ ઉપરના માળે લાગી હોય ત્યારે પડકારને ઝીલવો મુશ્કેલ થતો હોય છે. ગોત્રી વિસ્તારના એક કોમ્પ્લેક્સના ચોથા માળે આજે નમતી બપોરે આગ લાગવાનો આવો જ એક બનાવ બન્યો હતો.પરંતુ સારા નશીબે આગ વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં આવી જતાં લોકોના જીવ હેઠે બેઠા હતા.
ગોત્રીના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સના ચોથે માળે આવેલા એક ફ્લેટમાંથી ધુમાડા નીકળવા માંડતા સ્થાનિક રહીશો બહાર નીકળી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.બંધ ફ્લેટમાં આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાઇ આવ્યું હતું.
વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે ફલેટના રૃમોમાં ધુમાડા છવાયા હતા અને આગ પણ લાગી ચૂકી હતી.જેથી ફાયર બ્રિગેડે ધુમાડા કાઢવા માટે બારીના કાચ તોડ્યા હતા અને આગ વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લઇ લેવાતાં લોકોએ રાહત અનુભવી હતી.આ વખતે કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમ હતી.પરંતુ તેનો ઉપયોગ કરી શકાયો નહતો.










