![]()
વડોદરા,ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં આંતરડાની સારવાર માટે આવેલા દર્દીને એક્સપાયરી ડેટની દવાનો બોટલ ચઢાવી દેવામાં આવ્યો હતો. દર્દીના સગાઓનું ધ્યાન જતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે તપાસ શરૃ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની બાંયધરી આપી હતી.
આ અંગેની વિગત એવી છે કે, શહેરની ગોત્રી હોસ્પિટલમાં આંતરડાના ઇન્ફેક્શનનો દર્દી મુદસર શેખ, ઉં.વ.૨૮ (રહે. વલસાડ) સારવાર માટે આવ્યો હતો. મેડિસિન યુનિટમાં તેની સારવાર ચાલતી હતી. ગઇકાલે રાત્રે તેને પેરાસિટામોલનો બોટલ ચઢાવવામાં આવ્યો હતો. તે બોટલ એક્સપાયરી ડેટનો હોઇ દર્દીના સગાનું ધ્યાન જતા તેમણે સ્ટાફનું ધ્યાન દોર્યુ હતું. તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બોટલ ઉતારી લેવામાં આવ્યો હતો. આ અંગે દર્દીના સગાએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલની ગંભીર બેદરકારી છે. મારા બનેવીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દેતા તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઇ હતી. તેઓને રાતે આઇ.સી.યુ.માં લઇ જવામાં આવ્યા હતા. તેઓ ખૂબ જ ગભરાઇ ગયા છે. ગોત્રી હોસ્પિટલ સારી છે, તેવું સમજીને તેઓને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સારી દવા બારોબાર વેચી દેવાય છે અને એક્સપાયરી ડેટવાળી દવા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે. આ બાબતે કડક કાર્યવાહી થવી જોઇએ. દવા મેડિકલ સ્ટોરમાંથી આવે છે. ત્યાંથી કઇ રીતે એક્સપાયરી ડેટવાળી દવા સપ્લાય થઇ ? તે અંગે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. રાત્રે ડયૂટિ પર હાજર નર્સ સહિત અન્ય સ્ટાફની પૂછપરછ શરૃ કરવામાં આવી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, પેરાસિટામોલનો બોટલ છે. એક્સપાયરી પાંચ દિવસ પહેલાની જ હતી. તેનાથી તબિયત બગડવાની શક્યતા નથી. માત્ર દવાની અસર ઓછી થઇ જાય.
કસુરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : સુપ્રિન્ટેન્ડન્ટ
વડોદરા,
આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, આ ઘણી ગંભીર બાબત છે. આ અંગે તપાસ કમિટી બનાવવામાં આવી છે. કસુરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પેરાસિટામોલની બોટલની એક્સપાયરી ડેટ નવેમ્બર – ૨૦૨૫ ની હતી. એક્સપાયરી ડેટની દવાનો જથ્થો અમે નિકાલ કરી દઇએ છીએ. તેમછતાં આ ઘટના કઇ રીતે બની તે અંગે તપાસ કરી રહ્યા છે.










