![]()
સાવલી તા.૬ સાવલી તાલુકાના લાંછનપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાના ગોરવા વિસ્તારનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષના વિદ્યાર્થીનું મિત્રો સાથે નાહવા પડયા બાદ ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આરાધના ડુપ્લેક્સમાં રહેતા રાકેશ ગોકુલપ્રસાદ ગુપ્તાએ સાવલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે પુત્ર દિવ્ય તા.૪ની સવારે કોમ્પ્યુટરના સ્ટુડિયોમાં જવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેને મમ્મીને ફોન કરીને જણાવેલ કે ઓફિસમાં બહુ કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકું અને હું તથા મારા મિત્રો સ્ટુડિયોમાં જ રોકાઈ જઈશું.
ત્યારબાદ બીજા દિવસે સાંજે ૭ વાગ્યાની આસપાસ ઘેર પરિવાર સાથે હાજર હતો ત્યારે દિવ્યનો મિત્ર વિરાજ ઘરે આવ્યો હતો અને તેના ફોનમાં કોઈનો ફોન ચાલતો હતો બાદમાં જાણવા મળેલ કે સાવલી તાલુકાના લાંછનપુરા ગામે આવેલ મહીસાગર નદીમાં દિવ્ય ડૂબી ગયો છે. બાદમાં હું લાંછનપુરા આવ્યો હતો ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા સાવલી પોલીસે દિવ્યની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો પત્તો મળ્યો ન હતો.
રાત્રે અંધારું થઈ ગયું હોવાથી સવારે ફાયર બ્રિગેડ વડોદરાની મદદ લેતા નદીમાંથી દિવ્ય ગુપ્તાનો મૃતદેહ બહાર કાઢયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતક આઈટીએમ યુનિવસટી જરોદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો સાથે સાથે પાર્ટ ટાઈમમાં ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરતો હતો.










