![]()
– સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય
– ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ અને પુજાપો સહિતની સામગ્રીઓની ખરીદી માટે સ્થાનિક વિવિધ બજારોમાં ભીડ જામી
ભાવનગર : ગોહિલવાડમાં આગામી તા.૩૦ માર્ચને રવિવારે બેસતા માસથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. આ મહોત્સવ ઉજવવા માઈભકતોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ૩૦મીએ સવારથી જ વિવિધ માઈમંદિરોમાં માઈભકતોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળશે.
ભાવનગર શહેર અને જિલ્લાના પ્રાચીન અને અર્વાચીન માઈમંદિરોમાં તા.૩૦-૩ ને રવિવારે બેસતા માસથી ચૈત્ર નવરાત્રિ મહોત્સવની ભકિતમય માહોલમાં ઉજવણી કરાશે. માઈમંદિરોના ગર્ભગૃહ તેમજ પરિસરમાં ખાસ કરીને હવનના કુંડના આખરી સમારકામ, ચિત્તાકર્ષક રંગરોગાન કરી સમગ્ર સંકુલમાં લાઈટીંગ ડેકોરેશન સહિતની કામગીરી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે તેથી માતાજીની ચૂંદડી, શણગાર, પુજાપાની ઘટતી સામગ્રીઓ, પુજાપો, ફૂલહાર, પ્રસાદ, સુકામેવા, મીઠાઈ અને ફરસાણ, રંગબેરંગી ઈલેકટ્રીક સીરિઝ, લેમ્પ સહિતની ખરીદી તેમજ ઓર્ડર બુકીંગ માટે બજારોમાં લોકોની ભારે ભીડ દ્રશ્યમાન થઈ રહી છે.










