![]()
અમદાવાદ,સોમવાર,24
નવેમ્બર,2025
અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા તળાવ પછી શહેરના
ત્રીજા નંબરના મોટા તળાવ તરીકે ગણાતા એવા ઈસનપુર તળાવના વોટરબોડીની જગ્યામાં
બાંધવામા આવેલા ૯25 જેટલા કાચા -પાકા બાંધકામ દુર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને
સોમવાર સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે
મેગા ડિમોલીશનની શરુ કરી હતી. ચોમાસા પહેલા તળાવના વોટર બોડીમાં બાંધવામા આવેલા
રહેણાંક મકાનોને કોર્પોરેશન તરફથી નોટિસ અપાઈ હતી. ચાર અલગ અલગ બ્લોકમાં ડિમોલીશનની કામગીરી કરી આશરે૯૫,૬૪૦ ચોરસ મીટર
જેટલી જગ્યા ખુલ્લી કરવામા આવી હતી.સોમવારે મોડી સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી
પુરી કરી લેવાઈ હતી.તળાવની જગ્યામાં ૧૬૭ કોમર્શિયલ બાંધકામ અગાઉ કોર્પોરેશન દ્વારા
તોડી પડાયા હતા.
આ વર્ષે એપ્રિલ મહિનામાં ચંડોળા તળાવની જગ્યામાં બાંધવામા
આવેલા ૮૦૦થી વધુ રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા હતા.ઈસનપુર વોર્ડમાં
આવેલા તળાવનો કબજો કલેકટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો
હતો.સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ,
તળાવના વોટરબોડીમા કોઈ પણ પ્રકારનુ બાંધકામ દુર કરવાના આદેશના પગલે ઈસનપુર
તળાવની જગ્યામા બાંધવામા આવેલા રહેણાંક બાંધકામો સ્વૈચ્છાએ ૨૦ નવેમ્બર-૨૫ સુધીમાં
ખાલી કરવા અંતિમ નોટિસ અપાઈ હતી.પરંતુ લોકોની માંગણીને ધ્યાનમા રાખીને ચાર દિવસનો
વધુ સમય આપવામા આવ્યો હતો.સોમવારે સવારના સાત
કલાકથી કોર્પોરેશનના વિવિધ વિભાગના ૭૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની અલગ
અલગ ટીમ સાથે ૫૫૦ જેટલા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની વીસ અલગ અલગ ટીમ
બનાવી બાંધકામો તોડવાની શરુઆત કરવામા આવી હતી.બાંધકામો દુર કરવા ૧૨ હિટાચી, ૮ જે.સી.બી., ૧૨ ડમ્પર ઉપરાંત
૧૨ દબાણની ગાડીઓ સહિતની મશીનરી સાથે તળાવની જગ્યામાં મેગાડીમોલીશન કામગીરી શરૃ
કરવામા આવતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામા લોકોના ટોળા તંત્રની કામગીરી જોવા
ઉમટી પડયા હતા.
બાંધકામ તોડતી વખતે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એ માટે
કામગીરી શરૃ કરતા પહેલા આવાસોમાં પુરા પાડવામા આવેલા વીજ જોડાણ ટોરેન્ટ પાવરની
ટીમો દ્વારા દુર કરવામા આવ્યા હતા.ફાયર વિભાગ તથા મેડીકલની ટીમ કામગીરી સમયે
સ્ટેન્ડ ટુ રાખવામા આવી હતી.૪૪ જેટલા પરિવારોને નજીકના આશ્રયગૃહ સુધી તેમની ઘરવખરી
સાથે એ.એમ.ટી.એસ.બસ દ્વારા મોકલી આપવામા આવ્યા હતા.
તળાવની જગ્યામા વર્ષોથી રહેનારાને માનવતાના ધોરણે આવાસ
ફળવાશે
ઈસનપુર તળાવની જગ્યામાં કોર્પોરેશનના મેગા ડિમોલીશનની
કામગીરીના પગલે વર્ષોથી રહેતા લોકોની રજુઆતને ધ્યાનમા લઈ માનવતાના ધોરણે આવાસ
ફાળવવા જરુરી પુરાવા સાથે અરજીઓ મંગાવાઈ છે.અરજીઓની ચકાસણી પછી કેન્દ્ર સરકારની
યોજના હેઠળ અસરગ્રસ્તોને આવાસની ફાળવણી કરાશે.
કાટમાળ દુર કરી તળાવને વરસાદી પાણીથી ભરાશે
ઈસનપુર તળાવમાં મોટાભાગની ડિમોલીશનની કામગીરી પુરી કરી
લેવાઈ છે.હવે માત્ર કાટમાળ દુર કરવાની કામગીરી બાકી છે.કાટમાળ દુર કરી તળાવ
ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામા આવશે.સ્ટ્રોમ વોટર લાઈન મારફતે તળાવને વરસાદી
પાણીથી ભરવામા આવશે.જેને લઈ આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે
અને વરસાદી પાણી તળાવમાં નાંખવામા આવશે.
તળાવની જગ્યામા પુરાણ કરી દુકાનો બનાવાઈ,રાજકીય વગ વાપરી
મામલો રફેદફે કરી દેવાયો
ઈસનપુર તળાવની જગ્યામા સોમવારે કોર્પોરેશને મેગા ડિમોલીશન
કર્યુ.દસ વર્ષ પહેલા તળાવની જગ્યામાં પુરાણ કરી કેટલીક દુકાનો બનાવી દેવાઈ હતી.આ દુકાનો તોડવા એ સમયે કલેકટર
કચેરી તરફથી નોટિસ પણ આપવામા આવી હતી.પરંતુ એ સમયના ઈસનપુર વોર્ડના એક કોર્પોરેટર અને વોર્ડ
પ્રમુખની દુકાનોને પણ તોડવાની નોટિસ તંત્ર તરફથી આપવામા આવતા તેમણે રાજકીય વગ
વાપરી મામલને રફેદફે કરી નાંખ્યો હતો.
મ્યુનિ.કમિશનરે તળાવના બાંધકામોને લઈ એક સપ્તાહ પહેલા તાકીદ
કરી હતી
અમદાવાદમા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અને કલેકટર
હસ્તકના તમામ તળાવોના વોટરબોડીમાં બંધાયેલા બાંધકામ દુર કરવાથી લઈ તળાવોની સફાઈ
કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એક સપ્તાહ પહેલા તાકીદ કરી હતી.










