![]()
મુંબઈ : વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ આજે ઉછળતા જોવા મળ્યા હતા અને તેના પગલે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૩૫૦૦ ઉછળી રૂ.૧ લાખ ૮૦ હજાર સપાટીને આંબી ગયા હતા. ચાંદીના ભાવ ત્રણ દિવસમાં રૂ.૬૦૦૦ વધી જતાં ઝવેરી બજારમાં આશ્ચર્ય ફેલાયું હતુ.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાતાં તથા વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૫૮.૪૦થી ૫૮.૪૧ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૫૮.૯૨ થઈ ૫૮.૬૩થી ૫૮.૬૪ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૪૨૧૨ થયા પછી નીચામાં ભાવ ૪૧૭૦ થઈ ૪૨૦૨થી ૪૨૦૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે (આજે) જાહેર થનારા વ્યાજ દરમાં ઘટાડા પૂર્વે વિશ્વ બજારમાં સોનામાં બેતરફી ઉછળકૂદ દેખાઈ હતી, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૬૮૯૯ ખુલી રૂ.૧૨૭૪૬૨ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૭૪૦૯ ખુલી રૂ.૧૨૭૯૭૪ બંધ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગરરૂ.૧૭૭૦૫૪ ખુલી રૂ.૧૭૮૮૯૩ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૬૦ વાળા નીચામાં ૧૬૩૩ થઈ ૧૬૪૮થી ૧૬૪૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૭૨થી ૧૪૭૩ વાળા નીચામાં ૧૪૫૭ તથા ઉંચામાં ભાવ ૧૪૮૩ થઈ ૧૪૭૪થી ૧૪૭૫ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ઘટયા પછી ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૨૪ થઈ ૬૨.૭૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૮.૫૮ થઈ ૫૯.૧૨ ડોલર રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે હવે પ્રગતિ કેવી આગળ વધે છે તેના પર બજારની નજર રહી હતી.










