![]()
| ફાઈલ ફૂટેજ |
Gujarat Rain Forecast: ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેના મહત્ત્વના સંકેતો સામે આવ્યા છે. આજે 25 મેના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકારો અને હવામાન વિશ્લેષકોએ એકમંચ પર એકઠા થઈને વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના પૂર્વાનુમાનો રજૂ કર્યા હતા. જેમના અનુમાન પ્રમાણે ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે જેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જૂન મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. જ્યારે ચોમાસુ ઑક્ટોબર મહિનામાં વિદાય લેશે.
આગાહીમાં પરંપરાગત પદ્ધતિઓનો સમન્વય
આજની આધુનિક ટૅક્નોલૉજીની સાથે સાથે આપણા પરંપરાગત જ્ઞાન અને કુદરતી સંકેતો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. પરિસંવાદમાં આગાહીકારો દ્વારા સદીઓ જૂની પરંપરાગત પદ્ધતિઓના આધારે આગામી ચોમાસાની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જેમાં ગ્રહ-નક્ષત્રોની ચાલ અને સ્થિતિ, હોળીની ઝાળ અને અખાત્રીજના પવનોની દિશા, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ અને તેમની બદલાતી આદતો, વનસ્પતિના લક્ષણો (જેવા કે ગરમાળાના ફૂલ, બોર, ખાખરો અને કેસુડાના ઝાડ પર ફૂલોનું આવવું) તેમજ ભડલી વાક્યોનો આધાર લેવામાં આવ્યો છે.
વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ચોમાસા અંગેના મુખ્ય પૂર્વાનુમાનો
ચોમાસાનો સમયગાળો: આ વર્ષે ચોમાસું અંદાજે 56 દિવસનું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદનું પ્રમાણ: ચાલુ વર્ષે 10થી 12 આની એટલે કે અંદાજે 75% જેટલો વરસાદ થવાનો અંદાજ છે.
વાવણીના તબક્કા: ખેડૂતો આ વર્ષે બે તબક્કામાં વાવણી કરી શકશે.
પ્રથમ વાવણી: જૂન મહિનાના બીજા અઠવાડિયામાં થવાની શક્યતા છે. (6 જૂનથી 11 જૂન)
બીજી વાવણી: જૂન મહિનાના ચોથા અઠવાડિયામાં થવાનો અંદાજ છે. (17 જૂનથી 26 જૂન સાર્વત્રિક વરસાદ)
15 દિવસનો રાઉન્ડ: દશેરાથી દિવાળીની વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું.
આગાહીકારોનો મત
વર્ષ કેવું રહેશે તે અંગે વિશ્લેષકોમાં થોડો મતમતાંતર જોવા મળ્યો છે. કુલ આગાહીકારોમાંથી 14 અવલોકનકારોના મતે આ વર્ષ ઘણું સારું રહેશે, જ્યારે 27 અવલોકનકારોનું માનવું છે કે વર્ષ મધ્યમ રહેશે. આ વર્ષ ખંડવૃષ્ટિવાળું (એટલે કે અલગ-અલગ વિસ્તારોમાં વહેંચાયેલો વરસાદ) રહેવાની સંભાવના છે.
ચોમાસાની વિદાય ક્યારે?
આગામી 15 ઑક્ટોબરથી વરસાદ સત્તાવાર રીતે વિદાય લેશે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. ખેડૂતો માટે આ પૂર્વાનુમાનો આગામી ચોમાસુ પાકના આયોજન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કુદરતી સંકેતો અને પરંપરાગત જ્ઞાનના આ સમન્વયથી મેળવેલા આંકડા ઘણી વખત સાચા ઠર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહે છે.










