![]()
Vadodara : વડોદરા શહેરના ધનિયાવી રોડ પર આવેલા ચિખોદરા ગામ ખાતે ગાળો બોલવાની ગેરસમજના કારણે ત્રિપુટી દ્વારા કંપની સંચાલક અને તેના મિત્ર પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સંદીપકુમાર મકવાણા ચિખોદરા ગામ ખાતે સીરામિક કંપની ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.18 ડિસેમ્બરની રાત્રે તેમના મિત્રો ચિરાગ, રાહુલ, વિશાલ અને અરુણ તેમની કંપનીની સામે ઠંડીને કારણે તાપણું કરી બેઠા હતા. તે સમયે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી સિગારેટ માગી હતી. સિગારેટ આપ્યા બાદ તે વ્યક્તિ ગાળો બોલવા લાગતા ચિરાગે પણ સામે ગાળો આપી તેને જતા રહેવા કહ્યું હતું. આ દરમિયાન નજીક ઊભેલા ત્રણ શખ્સોએ ચિરાગ તેમને ગાળો આપી રહ્યો હોવાનું માની લીધું હતું. અને તે પૈકીના એક શખ્સે પોતાની ગાડીમાંથી લાકડી લાવી ચિરાગ પર હુમલો કર્યો હતો. સંદીપકુમાર વચ્ચે પડતાં તેમના પર પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બંનેને ગાળો બોલી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ હુમલામાં સંદીપકુમાર તથા ચિરાગને પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા ત્રણ હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.










