![]()
વડોદરા : પાદરા તાલુકાના ચોકારી ગામમાં રહેતા યુવકનું પ્રેમ સબંધંની
અદાવતમાં ચાર શખ્સે અપહરણ કર્યા બાદ તેને ઝાડ સાથે બાંધી ઢોર મારી ઘાતકી હત્યા કરી
નાખી હતી. આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને
અરજદારની અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, મૃતક જયેશને તેના ગામમાં જ રહેતી યુવતી સાથે
પ્રેમ સબંધં હતો એટલે યુવતીના પિતા સહિતના ચાર શખ્સોએ તા.૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ
જયેશનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ ચારે શખ્સે તેના ઘરે પાસે
મૃતક જયેશને ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યાર બાદ આરોપીઓએ લાકડી, મુક્કા અને લાતો મારી યુવકની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે મૃતકની
માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
આ ચકચારી બનાવમાં હાલ જેલમાં રહેલા આરોપી માળી મોહનભાઇ બેચરભાઇ
અને માળી કિરણભાઇ કાળીદાસે જામીન અરજી મૂકતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવીહતી કે, આરોપી
સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીઓને જો જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા
કરશે. ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરતા ચુકાદામાં નોંધ્યું હતું
કે,હત્યાના બનાવનો ૧૯ સેકન્ડનો વીડિયો છે અને એફએસએલએ આ
વીડિયોમાં જે રેકોર્ડિંગ છે તે મૂળ રેકોર્ડિંગ હોવાનું જણાવ્યું છે. હાલ કેસનો
ટ્રાયલ ચાલી રહ્યો છે અને સાક્ષીઓ તપાસવાના બાકી છે ત્યારે જામીન આપવાનું યોગ્ય
જણાતું નથી.










