![]()
જામનગર શહેરના નાગરિકો સાવધાની પૂર્વક અને સુરક્ષિત રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે, તેના માટે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર શતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ ની આગેવાની હેઠળ પોલીસ વિભાગની જુદી જુદી ટુકડીઓ દ્વારા શહેરમાં સધન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથો સાથ દિવાળીનું પર્વ ખૂબ જ સાવધાની પૂર્વક ઉજવી શકાય, અને ટ્રાફિક જામની સમસ્યા ન રહે, તે સંદર્ભમાં લોકજાગૃતિના બેનર લગાવવાની ઝુંબેશ હાથ કરવામાં આવી હતી.
ગત રાત્રે જામનગરના પોલીસ વિભાગ દ્વારા શહેરના કેટલાક જાહેર સ્થળો પર ઉપરાંત રિક્ષા સહિતના વાહનો પર જરૂરી સૂચનાઓ દર્શાવતા બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
જામનગરના શહેરીજનો માટે ‘સાવધાન નાગરિક, સુરક્ષિત શહેર’ શિર્ષક હેઠળના બેનર પોસ્ટરમાં જાહેર કરાયા અનુસાર કોઈપણ વ્યક્તિ કે ટોળકી અથવા તો તેવી કોઈ વસ્તુ નજરે પડે, તો તાત્કાલિક અસરથી 100 નંબર અથવા તો 112 નંબર ઉપર પોલીસ તંત્રને જાણ કરવા અનુરોધ કરાયો છે.
જાહેર રસ્તા પર ફટાકડા નહીં ફોડવા, તેમજ કોઈ વાહનની પણ નજીક ફટાકડા નહીં ફોડવા સૂચન કરાયું છે. શહેરના માર્ગો પર અથવા તો જાહેર સ્થળે થેલો અથવા તો અન્ય કોઈ શંકાસ્પદ સામાન દેખાય તો તેને નહીં સ્પર્શવા તેમજ પોલીસ વિભાગને તુરતજ જાણ કરી દઇ, પોતાની તેમજ પોતાના આસપાસના વિસ્તાર ની સલામતી રાખવા પણ અનુરોધ કરાયો છે.
ફટાકડાના કારણે કોઈપણ સ્થળે આગ લાગે તેવો બનાવ બને તો, તાત્કાલિક 101 નંબર પર ફાયર શાખા ને જાણ કરવા અથવા તો પોલિસ વિભાગની 112 નંબરમા ડાયલ કરવા અનુરોધ કરાયો છે. શહેરમાં ટ્રાફિક ની કોઈ સમસ્યા સર્જાયઝ તો તુરત જ જામનગર પોલીસ વિભાગની ટ્રાફિક શાખા (0288- 2550200 ઉપર ટેલીફોનીક જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.
દિવાળીની સલામત રીતે ઉજવણી માટે નાગરિકોનો : તમારો એક કોલ અને પોલીસની મદદ એ સૂત્ર સાર્થક કરવા માટે’ જામનગર પોલીસ દ્વારા બેનર પોસ્ટર ઝુંબેશ શરૂ કરાઈ છે.










