![]()
Jamnagar Theft Case : જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન જુદા જુદા સમયે વેપારીની નજર ચૂકવી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં યસ મોબાઈલ નામનો મોબાઇલ નો શોરૂમ ધરાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખોડુભાઈ ગોહિલ, કે જેઓએ પોતાના શોરૂમમાંથી ગત તા.5.07.2025થી તા.17.11.2025 ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન ચોરી થઈ ગયાનું સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાંથી 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું અને પોતાના શો રૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું છે. જેના આધારે સીટી બી. ડિવિઝન પોલીસની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સીસીટીવી કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે, અને એકાઉન્ટન્ટ હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.










