![]()
Boycott Congress Banners In Jamnagar: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા બહાર પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ કરતા બેનરો લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
બહિષ્કારના બેનરો અને બદલાયેલું સમીકરણ
વોર્ડ નંબર-12માં વર્ષ 2021માં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી, પરંતુ આંતરિક વિખવાદ અને ગેરશિસ્તના કારણે સમીકરણો બદલાયા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા અસલમ ખીલજી અને ફેબીદાબેન જુણેજા તેમજ રાજીનામું આપનાર જૈનબબેન ખફી ‘આપ’ માં જોડાતા જંગ ત્રિપાંખિયો બન્યો છે. હવે પટણી જમાત દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસના વિરોધનું એલાન કરવામાં આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે
અલ્તાફ ખફીની બાદબાકી? સસ્પેન્સ અકબંધ
કોંગ્રેસે આ વોર્ડ માટે 3 નામોની પેનલ જાહેર કરી છે, પરંતુ તેમાં પૂર્વ કોર્પોરેટર અને હાલ જેલમાં બંધ અલ્તાફ ખફીનું નામ ન હોવાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અલ્તાફ ખફી જેલમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ કોર્ટે જામીન ફગાવી દેતા અને પક્ષે નામ જાહેર ન કરતા તેમની બાદબાકી થઈ હોવાનું મનાય છે.
હિંસા અને ગુનાહિત ઈતિહાસ
અસલમ ખીલજી ગેંગ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વિસ્તારમાં મારામારી અને ફાયરિંગની ઘટનાઓ બાદ ‘ગુજસીટોક’ જેવા ગંભીર ગુનાઓ દાખલ થતા સામાન્ય નાગરિક કે શિક્ષિત ઉમેદવાર ચૂંટણી લડતા ડરી રહ્યો છે. તો ભાજપને આ વોર્ડમાં ઉમેદવારો શોધવા ફાંફા પડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ખીલજી અને ખફી પરિવારના જોરે મેદાન મારવા કમર કસી છે.










