![]()
Jamnagar : સમાજમાં જ્યારે સંબંધો અને વિશ્વાસની વાત આવે ત્યારે લોહીના સંબંધો કરતા પણ મિત્રતાને ઉંચુ સ્થાન આપવામાં આવે છે, પરંતુ ક્યારેક આ જ ‘વિશ્વાસ’ ગળાફાંસો બની જતો હોય છે. જામનગરમાં વ્યાજવટાવના કાળા કારોબારમાં એક મિત્રએ જ બીજા મિત્રની લાચારીનો ફાયદો ઉઠાવી તેને પાયમાલ કરી દીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાયદાની ભાષામાં કહીએ તો, આ માત્ર નાણાકીય લેણદેણ નથી, પણ એક માનવીના વિશ્વાસનું ‘ખૂન’ અને કાયદાના શાસનને પડકારતી ઘટના છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરના વતની અને હાલ અમદાવાદ બોપલ ખાતે રહેતા જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વસંતભાઈ મકવાણાએ જામનગરના સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011 થી અત્યાર સુધી ચાલેલા આ અન્યાયના દોરમાં આરોપી યુવરાજસિંહ જાડેજા (રાજદીપ ફાયનાન્સ, લાલબંગલા સામે) એ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ કેળવ્યો હતો.સંજયભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતા, યુવરાજસિંહએ સરકારી ધારાધોરણ કરતા અનેકગણું ઊંચું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, સિક્યુરિટી પેટે જામનગરનું એક મકાન, બે ઓફિસ અને અમદાવાદની બે ઓફિસ મળી અંદાજે રૂ.4,00,00,000 (ચાર કરોડ) ની મિલકતોના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા.
ત્યાર બાદમાં ફરિયાદીને અંધારામાં રાખી, આ મિલકતો ત્રાહિત વ્યક્તિઓને વેચી મારી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જેથી આ મામલાને પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે નવા કાયદા બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) 2023 ની કલમ 316(2) અને 317(2) તેમજ ગુજરાત નાણા ધીરનાર અધિનીયમ 2011 ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.










