Jamnagar Congress Protest : જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા પોર્ટલને લગતી મુશ્કેલીઓના મુદ્દે આજે એક વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ‘ખેડૂતોને છેતરવાનું બંધ કરો’ અને ‘ખેડૂતોની કોણીએ ગોળ લગાવવાનું બંધ કરો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ કથીરીયાની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના અનેક કાર્યકરો ખેડૂતોને સાથે રાખીને પોતાના હાથમાં પોસ્ટરો લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ ખેડૂતોને ન્યાય અપાવવાના મામલે વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ કથીરીયાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય માણસ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પોસ્ટ મૂકે તો તેને ષડયંત્ર ગણી જેલમાં ધકેલી દેવામાં આવે છે, ત્યારે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક અનેક વખત સરકારને બદનામ કરવાનું અને સરકાર સાથે કાવતરું કરવાના ષડયંત્રો કરી ચૂક્યા છે. જેના અનેક પુરાવા સરકારને આપવામાં આવ્યા હોવા છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘ગત ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો તેનું જે રાહત પેકેજ આપ્યું એ માત્રને માત્ર કપાસ પાકમાં આપ્યું છે. મગફળી અને અન્ય પાકોમાં આપ્યું નથી. ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે પાક વીમા પોર્ટલ 11-12 દિવસથી ખુલતું ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે જેને સરકારને બદનામ કરવાનું ઉદાહરણ ગણાવ્યું હતું. રાહત પેકેજને ‘માત્ર એક લટકતું ગાજર’ ગણાવી, કોંગ્રેસે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ દર્શાવ્યો હતો.










