![]()
Jamnagar Hit and Run : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગુલાબ નગર તેમજ ધ્રોલ પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત અંગે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવી છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર ગુલાબનગર ઓવર બ્રિજ પર બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા મોઇનુદ્દીન હુસેન સૈયદ બુખારી નામના 20 વર્ષના એક બાઈક ચાલક યુવાનને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 ઈ.જી. 2735 નંબરના બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મોઇનુંદિન બુખારીને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત સામે આવી રહેલા બાઈક પર બેઠેલી બે વ્યક્તિ ઘાયલ થઈ હતી, અને તે બંનેને પણ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ હૈદરભાઈ હુસેનભાઇ બુખારીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસની ટીમ બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ પાસે બન્યો હતો. ત્યાંથી બાઈક પર જઈ રહેલા સોમાભાઈ વશરામભાઈ ડામોર (ઉ.વ.51) ને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે 03 એલ.આર. 8976 ના ચાલકે ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર સોમાભાઈ તેમજ તેમના બાઈકની પાછળ બેઠેલા તેમના કુટંબી મહિલા લીલાબેન રમેશભાઈ ડામોર (ઉ.વ.38) કે જે બંનેને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓના પણ એક પછી એક સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતક સોમાભાઈના પુત્ર પ્રવીણ સોમાભાઈ ડામોરે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઈકો કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે, તે હાલ ભાગી છૂટ્યો હોવાથી તેમની શોધખોળ ચલાવાઈ રહી છે.









