![]()
– રખડતા જાનવરોના કારણે દુનિયામાં દેશની છબી ખરાબ થાય છે
– હાઈવે-રસ્તા, સ્કૂલો, હોસ્પિટલોની આજુબાજુથી બે મહિનામાં રખડતા કૂતરા-પશુઓને પકડી આશ્રય સ્થાનમાં મોકલવા નિર્દેશ
– રખડતા કૂતરાઓને ખસીકરણ-રસીકરણ કરાવી જ્યાંથી પકડયા હોય ત્યાં જ છોડવા જોઈએ નહીં
નવી દિલ્હી: દેશમાં રખડતા કૂતરાઓના કરડવાની ઘટનાઓમાં ખતરનાક વધારો થઈ રહ્યો હોવાનું નોંધતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્કૂલ-કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમત-ગમતના જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ અને ડેપો, રેલવે સ્ટેશનો સહિતના જાહેર પરિસરોમાં રખડતા કૂતરાઓનો પ્રવેશ રોકવા તેમજ હાઈવે પરથી રખડતા ઢોરોને હટાવવા માટે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નિર્દેશ આપ્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સરકારોને આ કામગીરી બે મહિનામાં પૂરી કરવા જણાવ્યું છે. સુપ્રીમે ખસીકરણ અને રસીકરણ પછી રખડતા કૂતરા અને પશુઓને આશ્રય સ્થળોમાં ખસેડવા નિર્દેશ આપ્યા છે.
ન્યાયાધીશો વિક્રમનાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાને સમાવતી વિશેષ બેન્ચે શુક્રવારે રખડતા કૂતરાઓના કેસની સુનાવણીમાં અનેક નિર્દેશો આપ્યા હતા. સુપ્રીમે એનએચએઆઈને હાઈવે અને એક્સપ્રેસ વે પરથી રખડતા ઢોરોને દૂર કરવા આદેશ આપ્યા હતા. રખડતા કૂતરાઓને જ્યાંથી પકડયા હોય ત્યાં જ પાછા છોડવા જોઈએ નહીં. તેમને આશ્રય સ્થળો પર ખસેડવા જોઈએ.
સુપ્રીમે ચેતવણી આપતા કહ્યું કે, બધા જ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો આ આદેશોનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરે. અન્યથા અધિકારીઓને વ્યક્તિગતરૂપે જવાબદાર ઠેરવવામાં આવશે. સાથે જ સુપ્રીમે તેમને ૮ સપ્તાહમાં આ આદેશોના પાલન અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ જણાવ્યંં હતું. સુપ્રીમે વધુ સુનાવણી માટે આ કેસને ૧૩ જાન્યુઆરી પર મુલતવી રાખ્યો છે.
બેન્ચે એનએચએઆઈને રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પરથી બધા જ પાલતુ પશીઓ અને ઢોરોને દૂર કરવાની ખાતરી કરવાના નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમે એનએચએઆઈને હાઈવે-એક્સપ્રેસ વે પર રખડતા ઢોરોને પકડવા માટે સંયુક્ત પેટ્રોલિંગ ટીમ બનાવવા અને તેમને પકડીને ગૌશાળા અથવા આશ્રય સ્થાનોમાં રાખી તેમની સંભાળ રાખવા નિર્દેશ આપ્યા હતા. બેન્ચે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, બસ સ્ટેન્ડ અને ડેપો તથા રેલવે સ્ટેશનોના પરિસરોની અંદર કૂતરાઓના કરડવાની વધતી ઘટનાઓ ચિંતાજનક છે અને આ ઘટનાઓ માત્ર વહીવટી તંત્રની ઉદાસીનતા જ નહીં પરંતુ અટકાવી શકાય તેવા જોખમોથી જાહેર સ્થળોને સુરક્ષિત બનાવવામાં સરકારી તંત્રની પદ્ધતિસરની નિષ્ફળતા પણ દર્શાવે છે.
બેન્ચે ઉમેર્યું કે, આ સંદર્ભમાં જાહેર સુરક્ષા, સ્વાસ્થ્ય અને રખડતા કૂતરાઓના સંચાલનના સંદર્ભમાં કોર્ટે આ આદેશો આપ્યા છે. બેન્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની સંબંધિત સ્થાનિક અથવા મ્યુનિસિપાલિટી ઓથોરિટી મારફત રખડતા કૂતરાઓને હટાવવા માટેની સંસ્થાઓને બે મહિનામાં ઓળખી કાઢવા અને રખડતા કૂતરાઓને આ પરિસરોમાં પ્રવેશતા રોકવા તેની આજુબાજુ ફેન્સિંગ કરવા, દરવાજા લગાવવા, દિવાલો કરવા જેવા માળખાગત કામો આઠ સપ્તાહમાં પૂરા કરવા નિર્દેશ આપ્યા હતા.
બેન્ચે જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, બસ સ્ટેન્ડ, ડેપો જેવા જાહેર સ્થળોના મેનેજમેન્ટે પરિસરોની સ્વચ્છતા અને જાળવણી માટે તથા પરિસરોમાં રખડતા કૂતરાઓ પ્રવેશે નહીં તથા તેને પોતાનું ઘર ના બનાવી દે તે માટે જવાબદાર નોડલ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. સુપ્રીમે ઉમેર્યું કે, બધી જ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ હડકવા વિરોધી રસીઓ અને ઈમ્યુનોગ્લોબ્યુલિનનો જથ્થો ફરજિયાત જાળવી રાખવો જોઈએ.
બેન્ચે ઉમેર્યું કે, રખડતા કૂતરા અને ઢોરોની પરિસ્થિતિ એટલી વણસી છે કે, બંધારણની કલમ ૨૧ હેઠળ વિશેષરૂપે બાળકો, દર્દીઓ અને ખેલાડીઓ સહિત નાગરિકોના જીવન અને સુરક્ષાના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે ન્યાયતંત્રે દરમિયાનગીરી કરવી પડી છે. સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં રખડતા કૂતરાના કરડવાથી હડકવા થઈ જવાના એક કેસના સંદર્ભમાં ૨૮ જુલાઈના રોજ સુઓ-મોટો નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી છે.










