![]()
ભચાઉ : પીપરાપાટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાડું
મારવાના ઈરાદે ધારિયા- લાકડીઓ સાથે હુમલો, પાંચ લોકો ઘાયલ, કુલ ૬ લોકો સામે ગુનો નોંધાયો
ગાંધીધામ: ભચાઉનાં પીપરાપાટીમાં ચામુંડા માતાજીનાં મંદિર પાસે એક વર્ષ અગાઉ થયેલા ઝગડાનાં મનદુઃખે બે પક્ષો વચ્ચે લોહિયાળ ધીંગાડું સર્જાયું હતુ. મારવાના ઈરાદે ધારિયાલાકડીઓ સાથે કરાયેલા હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમજ ટ્રક વડે યુવકને કચડી નાખવાનો પ્રયત્ન કરવા જતા યુવકનાં પગ ઉપર ટ્રકનો ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમજ સામા પક્ષનાં બે લોકોને પણ લાકડી વડે માર મારી શરીરે ફ્રેક્ચર સહીતની ઈજાઓ થતા સામ સામે કુલ ૬ લોકો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
ભચાઉનાં પીપરાપાટીમાં રહેતા મહેન્દ્રભાઈ વિરાભાઈ કોળીએ જણાવ્યુ હતુ કે, ફરિયાદી અને તેમનો નાનો ભાઈ જસવંત, દિકરો જીતેન્દ્ર અને કાકા દેવરાજભાઇ પીપરાપાટીમાં કુળદેવીનાં મંદિર પાસે તાપડુ કરી બેઠા હતા. ત્યારે એક વર્ષ અગાઉ વાહન અકસ્માત બાબતે થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ત્રણ આરોપીઓ પ્રવિણ ગેલા કોળી, લાલજી ગેલા કોળી અને તેમની સાથે અજાણ્યા શખ્સે મંદિર પાસે આવી ફરિયાદીનાં ભાઈ જસવંતને મારી નાખવાનાં ઇરાદે ધારિયા અને લાકડી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય ઈસમોએ ફરિયાદીનાં ભાઈને લાકડી વડે માર મારવા લાગ્યા હતા. જેમાં ફરિયાદી અને તેમનો દિકરો ઝગડા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ ફરિયાદીને માથાનાં ભાગે અને જમણા હાથમાં ધારિયું મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીનાં દિકરાને પણ માથામાં ધારિયુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઝગડામાં રાડારાડ થતા આસપાસનાં લોકો દોડી આવી ફરિયાદી અને તેમના ભાઈ અને દિકરાને વધુ મારથી બચાવ્યો હતો. જે બાદ ફરિયાદી તેના દિકરાને કારનાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતા હતા ત્યારે આરોપી લાલજી પોતાના કબ્જાની ટ્રક નં જીજે ૧૨ બીટી ૮૮૪૮થી મારી નાખવાનાં ઈરાદે ફરિયાદી અને તેના દિકરા પર ટ્રક ચડાવી અને તેમને કચડી નાખવાનાં ઇરાદે ફરિયાદીનાં દિકરા જીતેન્દ્ર પર ટ્રક ચડાવી દીધી હતી. જેમાં ફરિયાદી અને જીતેન્દ્ર સાઈડમાં ખસી જતા ટ્રકનો ટાયર જીતેન્દ્રનાં પગ પર ફરી વળતા પગ કચડાઈ ગયો હતો. જે બાદ ત્રણેય આરોપી ટ્રકમાં બેસી નાસી ગયા હતા. જેથી લાકડીયા પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ સામા પક્ષનાં ગેલાભાઇ માનસંગભાઈ કોળીએ ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ત્રણ આરોપીઓ જસવંત વિરા કોળી, મહેન્દ્ર વિરા કોળી અને જીતેન્દ્ર મહેન્દ્ર કોળીએ ફરિયાદીનાં દિકરા પ્રવિણ અને લાલજી પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં ફરિયાદીનાં દિકરા પ્રવિણને લાકડી વડે ફટકારતા તેને શરીરે ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી તેમજ લાલજીને શરીરે મુઢ ઈજાઓ થઇ હતી. જેથી લાકડીયા પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.










