![]()
‘તારા કારણે મારી પહેલી પત્ની ચાલી ગઇ’ તેમ કહી પિત્તો ગુમાવ્યો : મૃતદેહને ફેંકવા સાથે આવવાની ના પાડનાર તરૂણ વયના પુત્રને પણ મારી નાખવાની ધમકી આપી : આરોપી પકડાયો
મોરબી, : ટંકારાના લજાઈ નજીક કારખાનાની ઓરડીમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતાં ‘મારી પહેલી પત્ની તારા કારણે ચાલી ગઇ’ તેમ કહી પતિએ નવી પત્નીને કોઈ બોથડ પદાર્થનો ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. તેણે મૃતદેહ ઠંડા કલેજે મંદિરથી આગળ ડેમની સામે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો, એટલું જ નહીં, મૃતદેહ ફેંકવા સાથે આવવાની ના પાડનાર સગીર વયના દીકરાને પણ તેણે મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે.
લજાઈ ગામની સીમમાં ભીમનાથ રોડ પર સિલ્વર પ્લાસ્ટિક કારખાનાની ઓરડીમાં રહેતા સાહિલ સંજયભાઈ ભોજવિયા (ઉ.વ. 17)એ આરોપી પિતા સંજય ગોવિંદભાઈ ભોજવિયા વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. તેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીના માતા ગંગાબેને આઠ વર્ષ પહેલાં અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા ત્યાર બાદ પિતા સંજયભાઈએ શકુબેન સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં ફરિયાદી તેમજ નવા માતા શકુબેન અને પિતા સંજયભાઈ અને અન્ય ભાઈ-બહેનો ઘરે હાજર હતા ત્યારે સંજયભાઈએ શકુબેન સાથે ઝગડો કરીને કહ્યું હતું કે, તારા કારણે મારી જૂની પત્ની ગંગા મને અને છોકરાઓને મુકીને ચાલી ગઇ. ઝઘડાને કારણે સાહિલ અને અન્ય ભાઈ-બહેનો બીજા રૂમમાં સૂવા જતા રહ્યા હતા.
બીજા દિવસે સવારે સંજયભાઈએ સાહિલને ઉઠાડીને કહ્યું કે, ‘મેં તારી નવી માતા શકુને મારી નાખી છે. તેને નાખવા જવાની છે. જેથી તુ મારી સાથે ચાલ’. પણ સાહિલે સાથે જવાની ના પાડતા સંજયે સાહિલને પણ મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શકુબેનના મૃતદેહને રિક્ષામાં સંજયભાઇ લઇ જતા સાહિલ તેની પાછળ ગયો હતો. શકુબેનના મૃતદેહ ભીમનાથ મંદિરથી આગળ ડેમની સામે બાવળની કાંટમાં ફેંકી દેતા સાહિલે આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર આવી મૃતદેહ પી.એમ. માટે ખસેડયો હતો. પોલીસે આરોપી સંજયને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.










