![]()
મુંબઈ : અમેરિકાના ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાએ દેશના ઉદ્યોગોના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર કરી હોવાનું જોવા મળી રહ્યું છે.
વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં દેશના ઉદ્યોગજગતના કોન્ફીડેન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક સુધી બિઝનેસ સેન્ટિમેન્ટમાં સુધારો થયા બાદ વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં બિઝનેસ સેન્ટિમેન્ટસમાં ઘટાડો થયો છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકાના ઊંચા ટેરિફ તથા હાલમાં ચાલી રહેલી વેપાર તાણને પગલે વૈશ્વિક સ્તરે પ્રવર્તતી વ્યાપક અનિશ્ચિતતા વચ્ચે વેપાર માનસમાં ઘટાડો જોવા મળ્યો છે.
જીએસટીમાં સુધારા અને વેરા દરમાં ઘટાડા જેવા નીતિવિષયક નિર્ણયોની હકારાત્મક અસર આવનારા ત્રિમાસિકોમાં જોવા મળશે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેકસ (બીસીઆઈ) જે ૧૪૯.૪૦ હતો તે બીજા ત્રિમાસિકમાં ઘટી૧૪૨.૬૦ આવી ગયો છે.
જો કે ગયા નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં આ ઈન્ડેકસ ૧૩૪.૩૦ રહ્યો હતો તેની સરખામણીએ વર્તમાન વર્ષના બીજા ત્રિમાસિકનો ઈન્ડેકસ ઊંચો છે.
અર્થતંત્ર કેવી કામગીરી બજાવશે, કંપનીઓ તેમની નાણાં સ્થિતિને કઈ રીતે જુએ છે, ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણની સ્થિતિ તથા કંપનીઓની ક્ષમતા ઉપયોગીતાને આધારે આ ઈન્ડેકસ તૈયાર કરવામાં આવે છે.
ક્ષમતા ઉપયોગીતાને બાદ કરતા અન્ય માપદંડોમાં ઉદ્યોગોનો સૂર નબળો જોવા મળ્યો છે. ભારતના માલસામાન પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નવા ટેરિફ બાદ સપ્ટેમ્બરમાં દેશના છ શહેરોમાં ૪૮૪ જેટલી કંપનીઓનો સર્વે હાથ ધરી ઈન્ડેકસ તૈયાર કરાયો હતો. વૈશ્વિક વેપારના ઘટનાક્રમોની અસર મોટા ઉદ્યોગ ગૃહોમાં વધુ જોવા મળી રહી છે.










