![]()
સરકારે નુકસાનીના ફોટા પાડીને પોર્ટલમાં અપલોડ કરવા કહ્યું પણ : ઘાંસચારો ખાતર બની ગયો, સોયાબીન , મગફળીના પાથરા કપાસ પાણીથી જળબંબોળ ખેતરોમાં ડૂબીને બગડી ગયા
ડોળાસા, : ડોળાસા પંથકમાં તૈયાર પાક હતો એ વખતે તા. 26 અને તા. 27ના રોજ એકધારો વરસાદ વરસતા 14 ઈંચ ધોધમાર વરસાદ વરસી જવાના કારણે ખેડૂત પરિવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આ પંથકમાં તબાહી એવી છે કે એ એક ફોટામાં દર્શાવી શકાય એમ નથી. સરકાર તમામ ખેડૂતોને અસરગ્રસ્ત સમજીને એક સમાન સહાય તાકીદે ચૂકવે એવી ખેડુતોમાં માંગણી ઉઠી છે.
ડોળાસા પંથકમાં કાળમૂખા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોલને તહસનહસ કરી નાખ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરો જળબંબોળ થઈ ગયા હતા અને ખેતરોમાં મગફળીના પાથરા અને સોયાબીન તેમજ અન્ય તૈયાર થયેલા પાકો ડૂબી જતાં સાવ ખાતર બની ગયા છેે.પશુઓને આ સાલ ચારો કેમ ખવડાવવો એ પ્રશ્ન થઈ ગયો છે. કેટલાય ખેડૂતોના પાથરા છેક દરિયામાં પહોંચી ગયા છે. ચાલુ વરસાદે ખેતરો જળબંબોળ થઈ જતાં ખેતરોમાંથી વરસાદી પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું.આ સાલ મોલ પાણી સારા હતા પણ છેલ્લા વરસાદે ખેડૂતોને રડાવી દીધા છે. હવે બધાને એક જ ચિંતા છે કે આખુ વર્ષ કેમ પસાર કરવું ? બાળકોને કેમ ભણાવવા ,ખાતર બિયારણ કેમ લેવા? વ્યવહારિક પ્રસંગો કેમ પાર પાડવા સહિતની અનેક ચિંતાઓમાં ખેડૂત હતપ્રભ બની ગયો છે. આવા સંજોગમાં ખેડૂતોને સરકારે વળતર રકમ સર્વેનો કોઈ આગ્રહ રાખ્યા વગર સીધા એકાઉન્ટમાં જમા કરવી જોઈએ. એવી માંગણી ઉઠી છે.










