![]()
Vadodara Cyber Crime : મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ઠગાઈના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કડીમાં કપુરાઈ પોલીસે સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં તપાસ હાથ ધરતાં વધુ એક સાયબર ફ્રોડનો મામલો બહાર આવ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સમીર ભિવાજી મસ્કે (રહે. સિધેશ્વર હેપ્પીનેસ, સોમા તળાવ; મૂળ રહેવાસી–વૈષ્ણવ પાર્ક, કપુરાઈ–ડભોઈ રોડ)ના બેંક ખાતામાં તા.18 થી 30 એપ્રિલ દરમિયાન રૂ.2.87 લાખની રકમ અનઑથોરાઇઝ્ડ રીતે જમા થઈ હતી. આ ખાતા સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર એક ફરિયાદ નોંધાયેલી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ખાતાધારક સમીર મસ્કે તેમજ રાજનકુમાર સહિતના સંડોવાયેલા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4), 61(2) તથા આઈ.ટી. એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે નાણા પડાવ્યા
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી સમીર મસ્કેએ કબૂલાત કરી હતી કે, તેના પરિચિત રાજનકુમાર નામના શખ્સે તેને જણાવ્યું હતું કે, ડ્રીમ ઇલેવનમાં પૈસા જીતેલા કસ્ટમરોનો સંપર્ક કરી ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરની ઓળખ આપવાની રહેશે. બાદમાં પૈસા ઉપાડવાની લિમિટ વધારવાના બહાને રૂ.50 હજાર ચાર્જ ચૂકવવો પડશે તેમ કહી કસ્ટમરો પાસેથી નાણા પડાવવામાં આવતા હતા. આ રકમ રાજનના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવતી અને ત્યારબાદ તેમાંમાંથી અડધી રકમ સમીરના ખાતામાં જમા કરાવી એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવતી હતી.










