![]()
રાજપીપળા,તા.૨૯ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. જે ૩૧મીએ એકતા પરેડમાં પણ ભાગ લેવાની છે.
એકતા નગર ખાતે બાવન ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટ આવી પહોંચી છે. આ બાવન ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે.
બિકાનેરના રાજવી ગંગાસિંહે ૧૯મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી, એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી. બાદમાં તેને ભારતીય સેનામાં ભેળવી દેવાતા તે કેમલ કન્ટીન્જન્ટ તરીકે ઓળખાય છે.
સીમા સુરક્ષા દળ અને અન્ય નિષ્ણાંતો દ્વારા રાજસ્થાન સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ફરી ઊંટ ખરીદવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જેસલમેરી અને બિકાનેરી પ્રકારના ઊંટ હોય છે. કેમલ કન્ટીન્જન્ટમાં આવ્યા બાદ ઊંટને તેના સવાર દ્વારા તાલીમ આપી કેળવવામાં આવે છે. સૌથી શિસ્તબદ્ધ ઊંટ પરેડ દરમિયાન ટુકડીની આગેવાની લે છે. ઊંટને પ્રતિદિન દસ કિલો ચારો અને ૨ કિલો ચણા સહિતના કઠોળ મિશ્રિત ખોળ આપવામાં આવે છે. તેની પૂંછડીના વાળને સુંદર કાપી ડીઝાઈન કરી પરેડમાં લઈ જવાય છે.










