![]()
મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરાર કરવા ભારત તૈયારીમાં છે અને આ અંગેની જાહેરાત ગમે ત્યારે થવાની શકયતા છે, ત્યારે જો કોઈ સંજોગોમાં બન્ને દેશો વચ્ચે વેપાર કરાર શકય નહીં બને તો ભારતે પોતાની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામને ગુમાવી દેવાનો વારો આવી શકે એમ હોવાનું એક અભ્યાસમાં જણાયું છે.
૨૦૨૩માં ભારતે અમેરિકા ખાતે કરેલી ૭૬ અબજ ડોલરની નિકાસમાંથી ૫.૪૦ અબજ ડોલરની નિકાસ એવી છે જે વિયેતનામની નિકાસ બાસ્કેટમાં બંધ બેસી શકે એમ છે.
આમ એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ ખેંચી શકે છે.
ભારત તથા વિયેતનામ વચ્ચે ૧૬૦ જેટલા એવા સમાન પ્રોડકટસ છે જેની અમેરિકા ખાતે નિકાસ થાય છે. ૧૬૦ પ્રોડકટસનો બન્ને દેશોનો દરેકનો નિકાસ આંક ૨૦૨૩માં પાંચ અબજ ડોલર રહ્યો હતો.
૧૬૦ માલસામાનમાં અમેરિકાનો વેપાર ૨૦થી ૨૨ અબજ ડોલર જેટલો રહે છે તેમછતાં, વિયેતનામ માત્ર ૫.૪૦ અબજ ડોલરના માલસામાન માટે ભારત સામે સ્પર્ધા કરી શકે એમ હોવાનંત અભ્યાસમાં વધુમાં જણાવાયું હતું.
અમેરિકાએ વિયેતનામ સાથે દ્વીપક્ષી વેપાર કરાર જાહેર કરી દીધા છે જે હેઠળ નિકાસ ટેરિફ ઘટાડી ૨૦ ટકા કરાઈ છે. પરંતુ આ લખાય છે ત્યારે ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત થઈ નથી અને ૯ જુલાઈની ડેડલાઈન નજીક આવી રહી છે. આ તારીખ પહેલા જો બન્ને દેશો વચ્ચે વેપાર કરાર નહીં થાય તો ભારતના માલસામાન પર અમેરિકા ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તૈયારીમાં છે જેનો લાભ વિયેતનામને થશે તેમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે.










